એશિયાના દક્ષિણ પૂર્વીય દેશ ફિલિપાઈન્સમાં વર્ષ 2020નું સૌથી શક્તિશાળી સુપર ટાયફૂટ ‘ગોની’ ત્રાટક્યું હતુ, રવિવારે આવેલા વાવાઝોડા ભારે તબાહી સર્જાઈ હતી. આશરે 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા અને ભારે વરસાદના કારણે આશરે 16 વ્યક્તિના મોત થયા હતા. 50,000થી વધુ ઘરો વિજળી વગરના થયા હતા. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રીગો ડુટેર્ટે સોમવારે હવાઇ નિરીક્ષણ કરશે.
ટાયફૂટ ગોનીના કારણે 16 લોકોના મૃત્યુ થયા હતા અને આશરે 1 મિલિયન લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા રાજધાની મનિલાના એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતુ.
ફિલિપાઈન્સના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફિલિપાઈન્સના દક્ષિણી વિસ્તારમાં આવેલા કેટાન્ડયુએન્સ પ્રોવિન્સના દ્વિપ પર સુપર ટાયફૂટ ગોનીએ બે વખત પ્રહાર કર્યા હતા અને તોફાની પવનો અને વરસાદના કારણે અનેક ઘરો ધરાશયી થઈ ગયા હતા અને વીજળીના થાંભલા તુટી પડયા હતા. મોટી વસાહતોને ટાયફૂનના પ્રહારે તહસ-નહસ કરી નાંખી હતી.
તોફાની પવનોની સાથે ત્રાટકેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા. લોકો પોતાના જીવ અને સંપત્તિને બચાવવા માટે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. જોકે જમીન પર ત્રાટક્યા બાદ ટાયફૂટ ગોની ધીમું પડી ગયું હતુ અને પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતુ, જ્યાં મનિલા સહિતના જાણીતા શહેરો આવેલા છે. નોંધપાત્ર છે કે, હજુ એક સપ્તાહ પૂર્વે જ ત્રાટયેલા ટાયફૂનમાં 22 લોકોના મોત નીપજ્યા હતા અને જનજીવન બેઠું થાય ત્યાં જ ફરી એક સુપર ટાયફૂન ત્રાટક્યું હતુ.
ફિલિપાન્સના હવામાન ખાતાએ ચેતવણી જારી કર્યા બાદ પણ ઘણા બધા લોકોએ પોતાના ઘરમા જ રહેવાનો નિર્ણય લેતાં મુશ્કેલી વધી હતી. એક વખત જમીન પર ત્રાટક્યા બાદ ગોનીની તાકાત ઘટી ગઈ હતી, આમ છતાં 165 કિલોમીટરથી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેવી ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે.