વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સરદાર પટેલની 145મી જન્મજયંતીએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતી પર દેશભરમાં એકતા દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહીં તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું. હેલિકોપ્ટરથી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ફૂલોની મહેક કેવડિયાની હવામાં મહેકી ઉઠી હતી. તેના બાદ મોદી સરદાર પટેલના પગ પાસે પહોંચીને તેઓને ફૂલ અર્પણ કર્યાં હતા. આ ક્ષણ દેશવાસીઓ માટે ખાસ બની રહી હતી. દેશના લોખંડી પુરુષ માટે મોદી દ્વારા કરવામાં આવતી પુષ્પાંજલિ ખાસ બની રહી હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું હતું.
સરદાર પટેલને યાદ કરતાં મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલના અધુરા કાર્યને પૂરું કરવાનું મને સદભાગ્ય મળ્યું છે. હવે કાશ્મીર વિકાસના માર્ગ પર છે. સરદાર પટેલે સોમનાથ મંદિરના પુનનિર્માણનો આદેશ આપીને ભારતના સાંસ્કૃતિ વારસાને ફરી સ્થાપિત કરવાનો યજ્ઞ આરંભ્યો હતો. દેશમાં આ કાર્ય આયોધ્યા સુધી પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે ભવ્ય રામંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.