વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે શુક્રવારે બપોર બાદ કેવડિયાના ખાતે જંગલ સફારી પાર્ક અને એકતા ક્રુઝનું લોકાર્પણ કર્યું હતું. મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે એકતા ક્રુઝમાં સવારી કરી હતી. આ ઉપરાંત મોદીએ માખણ વલોવ્યું હતુ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ટોય ટ્રેનમાં પણ બેઠા હતા અને 5D ફિલ્મ પણ જોઇ હતી. જંગલ સફારી પાર્કીમાં ફ્લાય હાઇ ઇન્ડિયન એવિયરી બનાવવામાં આવે છે. પક્ષીનું નિરીક્ષણ કરવા માગતા લોકો માટે તે આકર્ષક સ્થળ છે.
જંગલ સફારી
જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસીક ડોમ એવીયરીઝ’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે. જંગલ સફારી પ્રોજેકટમાં પેટીંગ ઝોનનો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
એકતા ક્રૂઝ
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવે છે. એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે.