સાઉથોલ ખાતે રહેતા 69 વર્ષીય એલન ઇસિચેઇની હત્યા કરવા બદલ ભારતીય મૂળના વાઈન કોટેજીસ, સેન્ટ મેરીઝ એવન્યુ સાઉથોલ ખાતે રહેતા પંજાબી યુવાન ગુરજીત સિંહ લાલને દોષીત ઠેરવવામાં આવ્યો છે. ગુરજીતે શેરીમાં થૂંકતા એલને આપેલા ઠપકાના કારણે બન્ને વચ્ચે તકરાર થઇ હતી.
એલનને તેના ચાર પૌત્રો સહિત પરિવાર દ્વારા ખૂબ જ ચાહવામાં આવતો હતો અને તેઓ ઘણા વર્ષોથી સાઉથોલમાં રહેતા હતા અને સ્થાનિક સમુદાયમાં જાણીતા અને આદરણીય હતા. તેઓ બિલ્ડિંગ ફર્મમાં ડિરેક્ટર તરીકે કામ કરતા હતા અને વાસ્પ રગ્બી ટીમના પ્રભાવશાળી સભ્ય અને કોચ હતા. તેઓ અનુભવી સેક્સોફોનિસ્ટ પણ હતા અને જાઝ જૂથનો ભાગ હતા.
ગત તા. 24 ઑગસ્ટ 2019ના રોજ સાજે 6 પહેલા તેઓ ધ પ્લાઉ પબ ગયા હતા અને બીઅર પીધો હતો અને સાંજે 6-30ની આસપાસ ઘરે ચાલતા જતા હતા ત્યારે સેન્ટ મેરીઝ એવન્યુ સાઉથ ખાતે શેરીમાં થૂંકવા બાબતે તેમણે ગુરજીતને ઠપકો આપ્યો હતો. તેમની વચ્ચે તકરાર થઇ હતી. તે પછી એલન ઘરે જવા જતા ગુરજીત ફરીથી થૂંક્યો હતો. તે સમયે એલન ફરીથી બોલતા ગુરજીતે છરી વડે એલન પર તૂટી પડ્યો હતો. એલનને ગંભીર ઇજાઓ થતા તેમણે નજીક આવેલા ભારતીય મૂળના એસ્ટેટ એજન્ટ રાજ ગ્રોવરના ઘરે જઇ ડોરબેલ વગાડ્યો હતો અને મદદ માંગી હતી.
પેરામેડિક્સે જીવ બચાવવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમને સાંજે 7.56 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે લાલને તેના ઘરના સરનામેથી શોધી કાઢી ધરપકડ કરી હતી. લાલને 29 ઓગસ્ટે હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે એક તૈયાર નિવેદનમાં દાવો કર્યો હતો કે તેણે આત્મરક્ષણ માટે હુમલો કર્યો હતો.
લાલના માનસિક સ્વાસ્થ્યની સમીક્ષા કર્યા પછી, તેને નરસંહાર માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. હવે 14 ડિસેમ્બરને સોમવારે તેને સજા થશે. છરી રાખવા બદલ આ અગાઉ પણ લાલની જાન્યુઆરી, 2019માં ધરપકડ કરાઈ હતી.