ભારત અને અમેરિકા વચ્ચે બેઝિક એક્સ્ચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (BECA) પર મંગળવારે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહેએ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી માર્ક એસ્પેર સાથે ત્રીજા દોરની 2+2 મંત્રણા કરી હતી.
BECA પર હસ્તાક્ષરથી ભારતને અમેરિકાના મિલિટરી સેટેલાઇટમાંથી તાકીદના સમયના ધોરણે ટોપોગ્રાફિકલ ઇમેજ તથા મહત્ત્વના ડેટા મળશે. આ સંવેદનશીલ સેટેલાઇટ અને સેન્સર ડેટાથી ભારતને ચીનની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં મદદ મળશે. BECA સમજૂતીને પગલે ભારતને ગુપ્ત જિયો-સ્પેશિયલ ડેટા તથા લશ્કરી હેતુ માટેની મહત્ત્વની માહિતી મળી શકશે.
નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક બાદ ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમેરિકા સાથે BECA પર હસ્તાક્ષર એક મહત્ત્વની હિલચાલ છે. અમે સંખ્યાબંધ મહત્ત્વના મુદ્દા અંગે સર્વગ્રાહી ચર્ચાવિચારણા કરી હતી. અમેરિકા સાથે લશ્કરી સહકારમાં સારી પ્રગતિ થઈ રહી છે. અમે ડિફેન્સ ઇક્વિપમેન્ટના સંયુક્ત ડેવલપમેન્ટ માટે પ્રોજેક્ટ્સ અલગ તારવ્યા છે.