ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાના કારણે મંગળવાર, 27 ઓક્ટોબરે અમદાવાદની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 77 વર્ષ હતી.
મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલાં 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરેન કનોડિયા 2002થી 2007 દરમિયાન કરજણ વિધાનસભા બેઠકના પ્રતિનિધિ હતા.
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરા નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે પછી અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે.
નરેશ કનોડિયાએ 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.