ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ રવિવારે વિન્ટર શિડ્યુઅલ માટે એવિએશન કંપનીઓને 12,983 વીકલી ડોમેસ્ટિક ફ્લાઇટને મંજૂરી આપી હતી. વિન્ટર શિડ્યુલનો પ્રારંભ રવિવારે થયો છે અને તે આગામી વર્ષ 27 માર્ચ સુધી ચાલુ રહેશે.
ડીજીસીએ એ કહ્યું હતું કે ચાલુ વર્ષે શિયાળામાં ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડગોને 6006 વીકલી ફ્લાઇટને મંજૂરી આપી હતી. સ્પાઇસજેટને 1957 અને ગોએરને 1203 ફલાઇટની મંજૂરી આપી હતી. હાલમાં ભારતમાં તમામ એરલાઇનોને કોવિડ-19 પહેંલાની તેમની ક્ષમતાના વધુમાં વધુ 60 ટકા મુસાફરોને લઇ જવાની મંજૂરી અપાઇ હતી. ગયા વર્ષના શિયાળાની 23307 વીકલી ફલાઇટની સરખામણીમાં આ વખતે ડીજીસીએ એ માત્ર 55.7 ટકાની જ એટલે કે 12983 ફલાઇટની મંજૂરી આપી છે, એમ ઉડ્ડયન નિયામકે કહ્યું હતું.
આ વર્ષે અપાયેલી 55.7 ટકાની ફલાઇટ 25 ઓકટોબરથી 27 માર્ચ વચ્ચે ભારતના 95 એરપોર્ટ પરથી ઓપરેટ કરાશે. કોરોનાવાઇરસની મહામારીના કારણે 25 મે પછી ભારતમાં ડોમેસ્ટિક ફલાઇટની શરૂઆત કરાઇ હતી. એ વખતે એરલાઇનોને તેમની કોરોના પહેલાની ક્ષમતાના માત્ર 33 ટકાની જ મંજૂરી અપાઇ હતી. ત્યાર પછી ધીમે ધીમે આ સંખ્યામાં વધારો કરાયો હતો.