અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા વચ્ચે 31 ઓક્ટોબરથી સી-પ્લેન સર્વિસ ચાલુ થશે. દેશમાં ઉડાન યોજના અંતર્ગત લોકલ કનેક્ટિવિટી વધારવા માટે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી સી-પ્લેન સેવા માટે 16-સી પ્લેન માર્ગ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. હાલ સાબરમતી રિવરફ્રન્ટમાં એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચુકી છે. આ કામગીરી 30 ઓક્ટોબર પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે અને 30 ઓક્ટોબરના રોજ PM મોદી સી-પ્લેનમાં ઉડાન ભરી સાબરમતીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશે. 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિનના કાર્યક્રમમાં ભાગ લેશે.
દરમિયાન ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવીલ એવિએશન (ડીજીસીએ), એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા ગુજરાતમાં સી પ્લેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ ડેમ, ધરોઇ ડેમ, તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.
આ ઉપરાંત પાણીની સપાટી ઓછામાં ઓછી ૬ ફિટ હોવી જોઇએ. અમને સલામતી અંગે રાજ્ય સરકાર પાસેથી કેટલીક બાહેંધરી જોઇએ છીએ અને પછી જ અમે આગળ વધી શકીશું. પ્રથમ તબક્કામાં સાબરમતી રીવરફ્રન્ટથી સરદાર પટેલ ડેમ સુધી સી પ્લેન ઓપરેટ થઇ શકે છે. આ ઉપરાંત અંબાજી માટે અમદાવાદથી ધરોઇ ડેમની સી પ્લેન ઓપરેટ થશે.