વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ઓક્ટોબરે છઠ્ઠે નોરતે દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સ મારફત પશ્ચિમ બંગાળમાં રહેલા દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે રાજકીય નિરીક્ષકો તેમના આ પગલાને રાજકીય માસ્ટર સ્ટ્રોક માને છે.
કોલકત્તામાં સોલ્ટલેક ખાતે ભાજપના દુર્ગાપૂજા પંડાલનું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે ભાજપના મહિલા સશક્તિકરણનો મુદ્દો ઊઠાવ્યો હતો અને મુસ્લિમ સમાજમાંથી ત્રણ તલાકની પરંપરાને કેન્દ્ર સરકારે રદ કરી હતી એ મુદ્દાને ભારપૂર્વક રજૂ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે હું અત્યારે દિલ્હીમાં છું પરંતુ બંગાળમાં તમારા સૌની સાથે હોઉ એવી લાગણી અનુભવી રહ્યો છું. દુર્ગા પૂજાથી માણસને અનેરી શક્તિ મળે છે.
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો અનેરો મહિમા છે અને વડાપ્રધાને આ તક ઝડપી લઇને બંગાળી પ્રજાની લાગણી જીતવા માટે વર્ચ્યુઅલ હાજરી આપવાનું પસંદ કર્યું હતું. પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં પહેલીવાર કોઇ રાજકીય પક્ષ દુર્ગા પૂજાનું આયોજન કરી રહ્યો હતો. પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકોના મતવિસ્તારમાં વડા પ્રધાનના કાર્યક્રમનું સીધું પ્રસારણ થાય એવી વ્યવસ્થા પણ આ પ્રસંગે કરવામાં આવી હતી.