કોરોનાના નિવારણ માટે એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન બ્રાઝિલમાં એક વોલેન્ટિયરનું સોમવારે અવસાન થયું હતું, એમ બ્રાઝિલની હેલ્થ એજન્સીએ બુધવારે જણાવ્યું હતું. જો કે આ ઘટનાથી રસીના ક્લિનિકલ ટ્રાયલ અમે રોકવાના નથી એમ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ જાહેર કર્યું હતું. એસ્ટ્રેઝેનેકાએ આ વિશે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો.
જોકે આ હિલચાલથી જાણકાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે એસ્ટ્રેઝેનેકાની વેક્સિનના ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું તે વ્યક્તિએ વેક્સિનનો ડોઝ લીધો ન હતો.
હાલ દુનિયાભરમાં કોરોના વિરોધી રસી તૈયાર કરવાની જાણે હોડ લાગી હતી. આ બધાંમાં એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સૌથી આગળ હોવાના અહેવાલો હતા. આ રસી પર ભારત સહિત આખી દુનિયાની નજર હતી. ભારતમાં પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટમાં આ વેક્સિનની કામગીરીમાં જોડાયેલી છે.
આ વોલેન્ટિયર એવા ગ્રુપનો હતો જેને મેનીન્જાઇટિસની દવા આપવામાં આવી હતી. રસીના ક્લીનીકલ ટેસ્ટમાં ત્રીજા તબક્કામાં મદદ કરી રહેલી સાઓ પાઉલોની સેન્ટ્રલ યુનિવર્સિટીએ એવો દાવો કર્યો તો કે એક સ્વતંત્ર સમીક્ષા સમિતિએ પણ ક્લિનિકલ ટેસ્ટ ચાલુ રાખવાની ભલામણ કરી હતી. મરનાર વોલન્ટિયર બ્રાઝિલનો હતો. જો કે એની ઓળખ આપવામાં આવી નહોતી.
બ્રાઝિલ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું હતું કે આ વેક્સિન ક્લિનિકલ ટેસ્ટમાં બ્રાઝિલમાં દસ હજાર વોલન્ટિયર્સ ભાગ લઇ રહ્યા હતા. તેમાંના આઠ હજારને બ્રાઝિલનાં છ અલગ અલગ શહેરોમાં પહેલો ડૉઝ આપવામાં આવ્યો હતો.