પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે આપેલી માહિતી અનુસાર પીસીબીએ આગામી જાન્યુઆરી મહિનામાં ત્રણ ટી-20 મેચની ટુંકી સીરીઝ રમવા પાકિસ્તાન આવવાનું આમંત્રણ ઈંગ્લેન્ડની ટીમને આપ્યું છે. પીસીબીના સીઈઓ વાસિમ ખાને આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બોર્ડે ઈસીબીને એક વિધિવત આમંત્રણ આ હેતુસર મોકલ્યું છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લે 2005-06માં પાકિસ્તાનમાં ટેસ્ટ અને વન-ડે સીરીઝ રમવા ગઈ હતી.
એક પાકિસ્તાની ટીવી ચેનલ સાથે કરેલી વાતમાં વાસિમ ખાને કહ્યું હતું કે, આ સંભવિત સીરીઝ 13 થી 20 જાન્યુઆરી દરમિયાન રમાઈ શકે છે. અમને વિશ્વાસ છે કે, તેઓ આ પ્રવાસે આવશે. એ સંભવ બને તો પાકિસ્તાની ક્રિકેટ માટે તે એક મહત્ત્વનું બની રહેશે, એના પગલે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી અન્ય ટોપ ટીમ્સ પણ પાકિસ્તાન આવી શકશે.
આગામી નવેમ્બર મહિનામાં ઝિમ્બાબ્વેની ટીમ પાકિસ્તાન આવવાની છે, એ પછી સાઉથ આફ્રિકાને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના પ્રવાસ માટે આમંત્રણ અપાયું છે. 2009માં શ્રીલંકાની ટીમ ઉપર ત્રાસવાદી હુમલો થયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દેશમાં થંભી ગયું હતું, પણ છેલ્લા બે વર્ષમાં શ્રીલંકા અને બંગલાદેશની ટીમ્સ પાકિસ્તાનના પ્રવાસે જઈ ચૂકી છે.