અભિનેત્રી રિચા ચડ્ઢા અને અભિનેત્રી પાયલ ઘોષે મુંબઈ હાઈ કોર્ટને ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેમણે તેમની વચ્ચેના વિવાદને પારસ્પરિક સમજૂતીથી ઉકેલી લીધો છે અને સહમતીની શરતોને દાખલ કરી છે, જે હેઠળ પાયલે રિચા વિરુદ્ધ આપેલા નિવેદનને પાછું લઇને તેની માફી માગી છે. નોંધનીય છે કે રિચાએ ગયા અઠવાડિયે પાયલ વિરુદ્ધ ‘ખોટું, નિરાધાર, અભદ્ર અને અપમાનજનક’ નિવેદન આપવાનો આરોપ લગાવીને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને આ સાથે જ તેણે નુકસાનની ભરપાઇ તરીકે નાણાકીય વળતરની માગણી કરી હતી.
પાયલે ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ વિરુદ્ધ બળાત્કારનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે તેણે ચડ્ઢા સહિત બે મહિલાઓનું નામ પણ લીધું હતું. પાયલ ઘોષના વકીલ નિતિન સતપુતેએ ન્યાયાધીશ એ. કે. મેનને જણાવ્યું હતું કે બંને પક્ષ (ચડ્ઢા અને ઘોષ)એ આપસમાં સહમતીથી વિવાદને ઉકેલી લીધો છે અને આ સંબંધમાં એક અરજી દાખલ કરી છે. પાયલે બાયધરીમાં કહ્યું છે કે તે પોતાના એ નિવેદનને પાછું લઇ રહી છે, જે તેણે રિચા ચડ્ઢા વિરુદ્ધ આપ્યું હતું. બંને પક્ષોએ નક્કી કર્યું છે કે આ મામલે તેઓ એક બીજા વિરુદ્ધ કોઇ કેસ નહીં નોંધે અને નાણાકીય વળતરની પણ માગ નહીં કરે.