પાકિસ્તાન સરકાર વિરોધી પ્રદર્શન વચ્ચે કરાચી યુનિવર્સિટી નજીકના ગુલશન એ ઇકબાલ વિસ્તારમાં ચાર માળના એક મકાનમાં બુધવારની સવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને 15 લોકોને ઇજા થઇ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે એન્ટી બોમ્બ સ્ક્વોડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઇમારતના બીજા માળે વિસ્ફોટ થયો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટનાં કારણોની તપાસ ચાલુ હતી. ઇજાગ્રસ્તોને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે વિસ્ફોટ એટલો ભીષણ હતો કે આસપાસનાં મકાનોની બારીઓ પણ તૂટી પડી હતી. મુબીના ટાઉન પોલીસના પ્રવક્તાએ કહ્યું કે કદાચ ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાથી પણ વિસ્ફોટ થયો હોઇ શકે. અમે તપાસ કરી રહ્યા હતા.
હાલ પોલીસે આ વિસ્તારમાં અવરજવર બંધ કરાવી દીધી હતી. મંગળવારે શીરીન જિન્ના કોલોની પાસે એક બસ ટર્મિનલના દરવાજે થયેલા વિસ્ફોટમાં પાંચ જણને ગંભીર ઇજા થઇ હતી. ચોવીસ કલાકમાં આ બીજો વિસ્ફોટ હતો. ટર્મિનલના દરવાજા પર આઇઇડી લગાડેલું હતું અને તેના કારણે વિસ્ફોટ થયો હતો.