યુનિવર્સિટી અને બિઝનેસ સહિત 17 સંસ્થા અને વ્યક્તિએ અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરમાં જારી કરેલા H-1B વિઝા હોલ્ડરના વેતન સંબંધિત નિયમને કોર્ટમાં પડકાર્યો છે. અમેરિકાના શ્રમ વિભાગે તાજેતરમાં આ વચગાળાનો અંતિમ નિયમ જારી કર્યો હતો, જે સ્થાનિક કામદારોની જગ્યાએ સસ્તાં વિદેશી કામદારો લાવવાની કંપનીઓની ક્ષમતાને મર્યાદિત બનાવે છે.
સોમવારે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા માટેની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કાનૂની દાવામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અયોગ્ય રીતે ઘડવામાં આવેલા અને અયોગ્ય રીતે જારી કરવામાં આવેલા આ નિયમમાં કાયદા ઘડતરની સત્તાવાર પ્રક્રિયાનું પાલન થયું નથી અને તે આપખુદ, ખોટો અને બિનતાર્કિક છે. H-1B નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેનાથી અમેરિકાની કંપનીઓ વિદેશી કામદારો લાવી શકે છે. આવા વિઝાનો ભારતના આઇટી પ્રોફેશનલ મોટાપાયે ઉપયોગ કરે છે.
અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશન ((AILA)ના ફેડરલ લિટિગેશનના ડિરેક્ટર જેસી બ્લેસે દાવો કર્યો હતો કે હાલના વેતનમાં વધારાથી અમેરિકાની આર્થિક વૃદ્ધિ કે કોઇ વર્કર્સને લાભ થશે નહીં. વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે H-1B વિઝા હોલ્ડર્સ અમેરિકન જોબ્સનું સર્જન કરે છે.
તેમણે જણાવ્યું હતું કે આ નિયમથી શિક્ષણ સંસ્થાઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, હોસ્પિટલ્સ, સ્ટાર્ટ-અપ્સ અને સ્મોલ બિઝનેસ સહિત અર્થતંત્રને દરેક ક્ષેત્રને બિનજરૂરી નુકસાન કર્યું છે.
આ મહિનાના પ્રારંભમાં અમેરિકાના શ્રમ વિભાગે H-1B અને બીજા ફોરેન લેબર પ્રોગ્રામ માટેના વેતનના સ્તરને યોગ્ય રીતે ઓળખવા માટે આ નિયમ જારી કર્યો હતો. આ નિયમથી સ્થાનિક કામદારોની જગ્યાએ સસ્તાં વિદેશી કામદારો લેવાની કંપનીઓની ક્ષમતા મર્યાદિત બને છે. આ નિયમનો હેતુ સસ્તાં વિદેશી કામદારોથી વેતનમાં ઘટાડો ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. વ્હાઇટ હાઉસનો દાવો છે કે આ નિયમથી H-1B વર્કર્સની ક્વોલિટીમાં સુધારો થશે અને અમેરિકામાં સમાન વર્કર્સને આપવામાં આવતા વેતનની વધુ સારી રીતે જાણકારી મેળવી શકાશે.
આ નિયમો સામે કાનૂની દાવો દાખલ કરનારી સંસ્થાઓમાં પરડ્યુ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિશિગન, યુનિવર્સિટી ઓફ ડેનવેર, કેપમેન યુનિવર્સિટી, બાર્ડ કોલેજ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફફ ન્યૂ ઇંગ્લેન્ડ, ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી, સ્ક્રિપ્સ કોલેજ, નોર્ધન એરિઝોના યુનિવર્સિટી, ઇન્ડિયાના યુનિવર્સિટી, સ્ટડીી મિસિસિપ્પી, ડેન્ટીસ્ટ ફોર અમેરિકા, ફિઝિશિયન્સ ફોર અમેરિકન હેલ્થકેર અને હોજિસ બોન્ડેડ વેરહાઉસનો સમાવેશ થાય છે.