(istockphoto.com)

ભારતમાં મંગળવારની સવાર સુધીમાં કોરોના કુલ કેસની સંખ્યા 76 લાખને વટાવી ગઈ છે, પરંતુ જુલાઈના અંત પછી પ્રથમ વખત દૈનિક ધોરણે 50,000થી ઓછા કેસ નોંધાયા છે, છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 46,790 નવા કેસ નોંધાયા હતા, એમ આરોગ્ય મંત્રાલયના મંગળવારના સવાર આઠ વાગ્યા સુધીના ડેટામાં જણાવાયું હતું.

અગાઉ 23 જુલાઈએ ભારતમાં દૈનિક ધોરણે 45,720 નવા કેસ નોંધાયા હતા. દેશમાં હાલમાં કોરોના કુલ કેસની સંખ્યા 75.97 લાખ છે. સરકારે તાજેતરમાં જણાવ્યું હતું કે કોરોના કેસની પીક આવી ગઈ છે. સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં દેશમાં દૈનિક ધોરણે 90,000થી વધુ કેસ નોંધાતા હતા, હવે તે ઘટીને 50,000થી 60,000 થયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા વધીને 1.15 લાખ થઈ છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 587 લોકોના મોત થયા હતા. 600થી ઓછા મૃત્યુ નોંધાયા હોય તેવું સતત બીજા દિવસે બન્યું છે. દેશમાં સતત ચોથા દિવસે એક્ટિવ કેસની સંખ્યા આઠ લાખથી નીચી રહી છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 7.48 લાખ છે, જે કુલ કેસના આશરે 9.85 ટકા છે.