અમેરિકામાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીને 20 દિવસથી ઓછો સમય બાકી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એવા એકમાત્ર રીપબ્લિકન ઉમેદવાર નથી કે જેનું ભાવિ જોખમમાં હોય. પાર્ટીના સેનેટના અનેક ઉમેદવારો પણ પોતાની સીટ બચાવવા અને ઉપલા ગૃહમાં પાર્ટીની બહુમતિ જાળવી રાખવા કપરી સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે.
આ જંગ સંખ્યાબંધ રીપબ્લિકન સેનેટર્સ માટે કટોકટીનો છે, કારણ કે પક્ષને વફાદાર કેટલાય અગ્રણીઓ આડેધડ રીતે વર્તતા અને આ વખતની સ્પર્ધામાં નબળા દેખાતા ટ્રમ્પથી દૂર જઈ રહ્યા છે, તો કોવિડ-19ના રોગચાળા સામેની ટ્રમ્પની કામગીરીની નારાજગીનો લાભ લઈ હરીફ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તથા ઉમેદવારો ખૂબજ મહત્ત્વના, બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં ખૂબજ મજબૂત અને પ્રભાવશાળી ચૂંટણી પ્રચાર ચલાવી રહ્યા છે.
તીવ્ર સ્પર્ધાવાળી બેઠકોમાં બિડેન સાથેની પ્રથમ ડીબેટમાં ટ્રમ્પનો વ્હાઈટ નેશનાલિઝમને વખોડી કાઢવાનો ઈનકાર તેમજ ચૂંટણી આટલી નજીક હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખાલી પડેલી જજની એક જગ્યા માટે ઉમેદવાર નોમિનેટ કરવાના વિવાદાસ્પદ પગલાંના કારણે રીપબ્લિકન ઉમેદવારો માટે પાર્ટી અને પ્રેસિડેન્ટના કાર્યો, વલણનો બચાવ કરવાની મુશ્કેલ સ્થિતિનું દબાણ ઉભું થઈ રહ્યું છે.
આ બે પરિબળો કેટલા મોટા છે તેનો અંદાજ એ વાત ઉપરથી આવી શકે છે કે, સુપ્રીમ કોર્ટના જજની બેઠક માટે ટ્રમ્પે નોમિનેટ કરેલા ઉમેદવાર એમી કોની બેરેટ માટે કન્ફર્મેશન હીયરિંગ્સનું અધ્યક્ષપદ સંભાળી રહેલા વરિષ્ઠ રીપબ્લિકન સભ્ય લિન્ડસે ગ્રેહામ પોતાની સાઉથ કેરોલાઈના સીટ માટે પોતાની કારકિર્દીના સૌથી કપરા રાજકીય જંગનો સામનો કરી રહ્યા છે અને આશ્ચર્યજનક રીતે તેમના હરીફ પાસે ઘણું સદ્ધર ઈલેકશન ફંડ છે.
સેનેટમાં રીપબ્લિકન્સ પાસે 53-47ની બહુમતી છે પણ આગામી ચૂંટણીમાં તેમની પાસે રહેલી ચાર સીટ્સમાં તેમના ઉમેદવારોના પરાજયની શક્યતા વધારે છે, તો બીજા પાંચ રાજ્યોમાં પ્રવર્તમાન માહોલમાં પણ રીપબ્લિકન્સની સફળતાની તકો નબળી જ દેખાય છે.
ડેમોક્રેટ્સને 3 નવેમ્બરની ચૂંટણીમાં વધારાની ત્રણ બેઠકો પણ મળી જાય અને સાથે સાથે બિડેનનો વિજય થાય, તો પાર્ટીની સેનેટમાં પણ બહુમતી આવી જાય, કારણ કે 50-50ની ટાઈ થાય તો વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો વોટ મહત્ત્વનો બની જાય.
બિડેનના નિકટના સાથી અને ડેલાવેરના સેનેટર ક્રિસ કૂન્સે ન્યૂઝ એજન્સી સાથેની વાતમાં મંગળવારે (13 ઓક્ટોબર) કહ્યું હતું કે, “હું ડેમોક્રેટ્સના વિજયની તકો માટે આશાવાદી છું. ચૂંટણીઓ આજે યોજાય, તો હું માનું છું કે, ડેમોક્રેટ્સ સેનેટમાં પણ બહુમતીમાં આવી જાય.”
સ્ટેટિસ્ટિકલ એનાલીસિસ વેબસાઈટ ફાઈવથર્ડીએઈટ.કોમના મતે સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતીની તકો 68 ટકાની છે. ટ્રમ્પના વફાદાર, કન્ઝર્વેટીવ સેનેટર ટેડ ક્રુઝે નેશનલ ટેલિવિઝન ઉપર ચેતવણી આપી હતી કે, નવેમ્બરમાં રીપબ્લિકન્સને “વોટરગેટકાંડ જેવા જંગી ચૂંટણી સંહાર”નો સામનો કરવો પડશે.
ટેક્સાસના જ ક્રુઝના સાથી રીપબ્લિકન સેનેટર જ્હોન કોર્નિને તો કહેવાનું જ બાકી રાખ્યું હતું, તેનો ગર્ભિત ઈશારો એવો હતો કે, પોતાના નેતા પાર્ટીને અને સાથીઓને ડૂબાડશે, એનાથી બચવું હોય તો પાર્ટીએ તથા ઉમેદવારોએ ટ્રમ્પને જ પડતા મુકવા જોઈએ. કોર્નિન પણ ખૂબજ કપરી સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે.
કોર્નિને તો જો કે એવું પણ કબૂલ્યું હતું કે, કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ ખૂબજ લોકપ્રિય છે, તેથી તેને પડતા મુકવાનો નિર્ણય અયોગ્ય પણ નિવડી શકે. પોતાના માટે ટ્રમ્પ મદદરૂપ થશે કે કેમ, એવા પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ટાળીને તેણે એમ કહ્યું હતું કે, “આ રાજ્યમાં હું તેમના કરતાં વધારે સારો દેખાવ કરવાનો આશાવાદી છું.”
એરિઝોના, કોલોરાડો અને મૈને – આ ત્રણ રાજ્યોમાં ડેમોક્રેટ્સનું પલ્લું નમી રહ્યું છે અને રીપબ્લિકન્સને લાગે છે કે, ટ્રમ્પ પાર્ટીની ઉજ્જવળ તકો માટે જોખમી છે, તેના કારણે પાર્ટીના સેનેટના ઉમેદવારોની તકો રોળાઈ રહી છે.
એરિઝોના અને કોલોરાડોના રીપબ્લિકન્સ સેનેટર્સ માર્થા મેસકેલી તથા કોરી ગાર્ડનરને તેમના હરીફ ડેમોક્રેટ્સ સાથેની ડીબેટમાં એવું પૂછાયું હતું કે, પોતે ટ્રમ્પને સમર્થન આપી રહ્યા છે, તે વિષે તેઔ ગૌરવ અનુભવી રહ્યા છે કે કેમ? બન્નેએ તેનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ વખતની સેનેટની ચૂંટણીમાં ડેમોક્રેટ્સના હાથમાં હોય તેવી ફક્ત 12 સીટ અને રીપબ્લિકન્સના હાથમાં હોય તેવી 23 સીટ્સ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આયોવા, જ્યોર્જીઆ, સાઉથ કેરોલાઈના તથા મોન્ટાના જેવા રાજ્યોમાં ચિત્ર બદલાય તેવા સંકેત છે અને ડેમોક્રેટ્સને તેનો લાભ મળી શકે તેમ છે. અને ચૂંટણી વખતે કોઈ મોજું ફરી વળે તો ટેક્સાસ, અલાસ્કા, કન્સાસ તથા કેન્ટુગીમાં પણ રીપબ્લિકન્સ માટે કપરા ચઢાણો સાબિત થઈ શકે છે.