ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણે કોરોના વાયરસના કારણે લાંબા સમયથી શૂટિંગ કરી શકી નહોતી. આ પછી તે ગોવા શૂટિંગ માટે ગઇ હતી, ત્યાં તો, સુશાંત સિંહ રાજપૂત અપમૃત્યુકેસ સાથે જોડાયેલા એક ડ્રગ્સ કેસને કારણે દીપિકાને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઇ બોલાવી હતી. હવે તેની પુછપરછ થઇ ગઇ છે, અને દીપિકા ફરી કામે ચઢી રહી છે.
રિપોર્ટસના અનુસાર, દીપિકા પદુકોણ જલદી જ પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે. શકુન બાત્રાની ફિલ્મનું શૂટિંગ હાલ ગોવામા ચાલી રહ્યું છે. શકુન બાત્રાની આ ફિલ્મનું નામ હજી ઘોષિત કરવામાં આવ્યું નથી. આ ફિલ્મને ૧૨ ફેબુ્આરી ૨૦૨૧ રોજ રિલીઝ કરવાની યોજના છે. જોકે કોરોના વાયરસના કારણે ફિલ્મોના રિલીઝ ડેટના શેડયુલ બદલાઇ ગયા છે. આ ફિલ્મની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરવામા આવે તેવી પૂરી શક્યતા છે. દીપિકા ૧૧ સપ્ટેમ્બરના રોજ શૂટિંગ માટે ગોવા ગઇ હતી.