વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ (WTTC) એ જી-20 દેશો અને અગ્રણી વૈશ્વિક કંપનીઓના સીઈઓની ઐતિહાસિક બેઠક દરમિયાન ખાનગી ક્ષેત્રને ટેકો આપવા માટે યુએઈના નેતૃત્વને સ્વીકાર્યું હતું. સાઉદી અરેબિયાની વિનંતી પર WTTCએ આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને પર્યટન ફરી શરૂ કરવા અને વૈશ્વિક સ્તરે 100 મિલિયન નોકરીઓ પુન:સ્થાપિત કરવા માટે એક યોજના રજૂ કરી હતી.
આ બેઠકના અધ્યક્ષ સ્થાને સાઉદી અરેબિયાના પ્રધાન, અહેમદ અલ ખાતીબ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ વખત જી-20 પ્રધાનોએ સીઈઓને સીધું સાંભળ્યાં હતાં. યુએઈના ઉદ્યોગ સાહસિક રાજ્ય મંત્રી અને એસએમઇ, ડબ્લ્યુટીટીસી સભ્યો અને વિશ્વભરના પ્રવાસ અને પર્યટન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા ઉદ્યોગપતિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
આ સત્રમાં આ ક્ષેત્રની રીકવરીને વેગ આપવાની અને લાખો નોકરીઓ બચાવવા માટેની સંભાવના ધરાવતા મુખ્ય ઉપક્રમોની ચર્ચા અને અન્વેષણ કરવામાં આવ્યું હતું.
ડબ્લ્યુટીટીસીના પ્રમુખ અને સીઈઓ ગ્લોરિયા ગુવેરાએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘’ટ્રાવેલ અને તેની જીડીપીમાં પર્યટનના યોગદાનની દ્રષ્ટિએ યુએઈ મધ્ય પૂર્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાનિકારક ક્વોરેન્ટાઇન અને મુસાફરી પરના પ્રતિબંધોને દૂર કરવા ઉડાન પૂર્વે આંતરરાષ્ટ્રીય ટેસ્ટીંગ પ્રોટોકોલ અમલમાં મૂકવા મહત્વપૂર્ણ છે. આ માટે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂર પડશે.”
ડૉ. અલ ફલાસીએ કહ્યું હતું કે “આપણે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યા છીએ અને રીકવરી માટે આપણો પ્રતિસાદ પણ અભૂતપૂર્વ હોવો જોઈએ. કોઈ શંકા નથી કે મુસાફરી અને પર્યટન ઉદ્યોગ પાછો આવશે, અને તે આપણી અર્થવ્યવસ્થાને ટેકો આપવાનું ચાલુ રાખશે.”
સૂચીત પગલાઓમાં વૈશ્વિક સ્તરે માન્ય ટેસ્ટીંગ પ્રોગ્રામ; જોખમો ઘટાડવા અને મુસાફરોનો આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે દેશો વચ્ચે પ્રોટોકોલ મજબૂત અને પ્રમાણિત કરવા અને મુસાફરી માટે આરોગ્ય, સલામતી અને નિશ્ચિતતાની સર્વોચ્ચ પ્રાધાન્યતા આપવાનું અને આ ક્ષેત્રને ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સંકલન કરવુ જરૂરી છે. વૈશ્વિક ગ્રાહકોનો આત્મવિશ્વાસ ફરીથી બનાવવા અને સલામત મુસાફરીને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ડબલ્યુટીટીસી સતત ખાનગી ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે.