વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવારે તા. 12ના રોજ એક નવી રાષ્ટ્રીય થ્રી ટાયર વોર્નીંગ સીસ્ટમ દ્વારા દેશભરમાં કોરોનાવાયરસ લોકડાઉન પ્રતિબંધોને “સરળ અને માનક બનાવવાનું” વચન આપ્યું છે. સમગ્ર નોર્થ ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસના રોગચાળાનો વ્યાપને કારણે સૌથી વધુ જોખમી સ્તર જણાઇ રહ્યું છે ત્યારે વડા પ્રધાન બોરીસ જ્હોન્સને તા. 12, સોમવારે રાત્રે નોર્થ ઇંગ્લેન્ડની કાઉન્સિલના નેતાઓને વિનંતી કરી હતી કે કોરોનાવાયરસના રોગચાળાના વધતા વ્યાપને રોકવા માટે તેઓ પગલા ભરે અને કડક નિયંત્રણોને સ્વીકારે. વડાપ્રધાન હમણાં સંપૂર્ણ લોકડાઉન લાદવા માંગતા નથી, પરંતુ ચેપ અને હોસ્પિટલમાં પ્રવેશ અંગેના આંકડા ભયાનક જોખમ સૂચવી રહ્યા છે.
ક્રિસ વ્હિટી અને ચાન્સેલર ઋષિ સુનક સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાને નોર્થના મેયર અને કાઉન્સિલ નેતાઓને વિશિષ્ટ પગલાં ભરવા અને જરૂર પડે વધુ રોકડ અને સેનાનું સમર્થન આપવાની ખાતરી આપી હતી. પણ જો સમજૂતી નહિં સધાય તો રાષ્ટ્રીય સરકારની ફરજ બનશે કે લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેશે. તેમણે જણાવ્યું હતું કે “જો આપણે વાયરસને ફેલાવા દઇશું તો આપણે ફક્ત કોવિડથી મૃત્યુ જ સહન નહિં કરીએ, પણ અનિયંત્રિત બીજા સ્પાઇક સાથે આપણે આપણા એનએચએસ પર મોટુ દબાણ લગાવીશું અને નર્સો સરળતાથી અન્યનો ઉપચાર કરવામાં અસમર્થ બનશે.’’
બીજી તરફ લિવરપૂલના પ્રાદેશિક મેયર દ્વારા કડક પ્રતિબંધો સ્વીકારવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસને ડામવા માટેની લડતને ફરીથી શરૂ કરવા માટે સરકારે થ્રી ટાયર સીસ્ટમ શરૂ કર્યા પછી મંગળવારથી લિવરપૂલ શહેર અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કોરોનાવાયરસ માટે સૌથી વધુ ચેતવણી આપવામાં આવી છે.
ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ ખૂબ જ ઉંચા સ્તરના પ્રતિબંધો લાદવાની, જેમાં પબ્સ બંધ કરવાની, ઘરના સંપર્કોને મર્યાદિત કરવાની ચેતવણી આપતા જણાવ્યું હતું કે ‘’સ્થાનિક કડક પગલા સિવાય કશું થશે નહીં. જો વધુ પગલાં લેવામાં નહિં આવે તો કેસના દરો વધવાનું ચાલુ રહેશે”. તેમણે મિનિસ્ટર્સને પણ કહ્યું છે કે જ્યાં સુધી વધુ વિસ્તારોને ટોચના સ્તર પર મૂકવામાં નહિં આવે ત્યાં સુધી રોગચાળો નિયંત્રણમાં લાવવા માટે રીબૂટ પૂરતું નથી. નોર્થના રોગચાળાને જોતાં તે દેશભરમાં ફેલાવાના પહેલાથી સ્પષ્ટ પુરાવા હતા. સાઠથી વધુ વયના લોકોનો હોસ્પિટલમાં પ્રવેશ વધુ ચિંતા કરાવે છે અને સમુદાયના તમામ વય જૂથોમાં વાયરસ ફેલાયો હોવાના પુરાવા છે. હવે વાયરસ 16થી 29 વર્ષની વયના યુવાનોને પણ અસર કરી રહ્યો છે.
માન્ચેસ્ટરના ICU સલાહકાર જેન એડલસ્ટને કહ્યું હતું કે કોવિડ-19ના 30% દર્દીઓ ICUમાં દાખલ છે જેથી અન્ય લોકોની સારવારને અસર થાય છે.
વડાપ્રધાનના આકરા રાષ્ટ્રીય કાર્યવાહીના સંકેત વચ્ચે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં 13,972 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે જેમાં ગયા અઠવાડિયાની સરખામણીએ 11 ટકાનો વધારો નોંધાયો છે અને 50 લોકોનાં મોત થયા છે. માર્ચ મહિનામાં નેશનલ લોકડાઉન કરતા હોસ્પિટલમાં પ્રવેશ વધુ સ્તરે પહોંચ્યો છે. સરકારી સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમરજન્સીએ ત્રણ અઠવાડિયા પહેલા ચેતવણી આપી હતી કે દેશ વ્યાપી બે અઠવાડિયાના “સર્કિટ-બ્રેકર” તરીકે પબ બંધ થવા જોઇએ અને હાઉસહોલ્ડ મીક્સીંગ પર પ્રતિબંધ નાંખવા જેવા લાંબા ગાળાના પગલા જરૂરી છે.
ટાઈમ્સ માટે યુગોવે કરેલા મતદાનમાં પણ લગભગ અડધા મતદારો માને છે કે રાષ્ટ્રીય ઉપાય એટલા મુશ્કેલ નથી. વાયરસના વધતા વ્યાપને જોતા ત્રણ નાઇટિંગલ હોસ્પિટલોને સ્ટેન્ડબાય પર મૂકવામાં આવી છે અને એનએચએસ સ્ટાફને રૂટીન ટેસ્ટીંગ કરવા કહેવામાં આવ્યું હતું.
ઇંગ્લેન્ડની તમામ લોકલ ઓથોરીટીને મધ્યમ, ઉચ્ચ અથવા ખૂબ જ ઉચ્ચ ચેતવણીનું સ્તર ધરાવતા વિસ્તારો તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. મધ્યમ સ્તર વિસ્તારના લોકોએ ફક્ત રાષ્ટ્રીય ધોરણોને પાળવાના રહેશે, જેમ કે ‘રૂલ ઓફ સિક્સ’ અને રાત્રે 10 વાગ્યા પછી હોસ્પિટાલીટી ક્ષેત્રમાં કર્ફ્યુ. ઉચ્ચ ચેતવણી ધરાવતા સ્તરમાં હાઉસહોલ્ડ મિક્સીંગ પર પ્રતિબંધ સહિત હાલના પગલા સામેલ છે. ખૂબ ઉંચા સ્તર ધરાવતા વિસ્તારો પર હજી પણ વધુ સખત નિયમો લાદવામાં આવશે. જેમાં સ્થાનિક નેતાઓ પર પબ બંધ કરવાનો નિર્ણય છોડવામાં આવશે, પણ રેસ્ટોરાં, શાળાઓ, બિન-આવશ્યક રિટેલ અને યુનિવર્સિટીઓ તમામ સ્તરે ખુલ્લા રહેશે.
લિવરપૂલના મેટ્રો મેયર સ્ટીવ રોધરહામ સાથે વડાપ્રધાનની સમજૂતી અંતર્ગત જિમ, બેટીંગ શોપ્સ અને કેસિનો બંધ થશે. પબ્સ જો રેસ્ટોરાં તરીકે કામ કરતા હોય અને મેઇન કોર્સ મીલ આપતા હોય તો તેઓ ખુલ્લા રહી શકશે. તેઓ માત્ર ભોજનના ભાગ રૂપે આલ્કોહોલ પીરસવામાં સમર્થ હશે. પણ પીવા માંગતા ગ્રાહકોને પાછા મોકલવાના રહેશે.
અત્યારે ફક્ત લિવરપૂલ શહેર ક્ષેત્રમાં એક દિવસમાં 1,000 જેટલા નવા કોરોનાવાયરસના ચેપ નોંધાઇ રહ્યા છે જેના કારણે તેને સૌથી વધુ જોખમ વાળી કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. આવા ક્ષેત્રોમાં પબ અને બારને તેમના દરવાજા બંધ કરવા અને કોઈને પણ તેમના ઘરની બહાર અથવા સપોર્ટ બબલ બહારના લોકોને નહિં મળવા જણાવ્યું છે. આનો અર્થ એ છે કે લોકો તેમના પોતાના ઘરો અથવા બગીચા અથવા અન્ય કોઈ પણ ઇન્ડોર અથવા ખાનગી આઉટડોર સેટિંગમાં એકબીજાની મુલાકાત લઇ શકશે નહિં.
જ્હોન્સને સ્વીકાર્યું હતું કે નોર્થવેસ્ટ, નોર્થઇસ્ટ, યોર્કશાયર અને હમ્બર વિસ્તારોના કાઉન્સિલ નેતાઓ ઉચ્ચતમ સ્તર પર મૂકવા બદલ વિરોધ કરી રહ્યા છે. વેસ્ટ મિડલેન્ડ્સના ટોરી મેયર એન્ડી સ્ટ્રીટ તેમના પ્રદેશને પ્રથમ અને બીજા સ્તરની વચ્ચે એક વિશેષ કેટેગરીમાં મૂકવાની લડાઈ હાર્યા હતા.
પ્રોફેસર વ્હીટીએ સ્વીકાર્યું હતું કે ‘’હોસ્પિટાલિટીના કારણે વાયરસનો ફેલાવો થાય છે તેવા કોઈ “ગ્રેડ એ” પુરાવા નથી પરંતુ વિશ્વના પબ્લિક હેલ્થ એક્સપર્ટે જણાવ્યું છે કે તે ફેલાવામાં ફાળો આપે છે. માટે જ આતિથ્ય ક્ષેત્ર પ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિબંધો ચાલુ છે. જો આપણે તકેદારી રાખીશું તો બ્રિટનમાં આગામી શિયાળામાં કોવિડ-19 સામે લડવાની સ્થિતી નોંધપાત્ર સારી હશે પછી ભલે રસીને મંજૂરી મળી નહિં હોય. વિજ્ઞાન આપણને ઘણી જુદી જુદી દિશાઓથી ટેકો આપશે.”
શ્રી સુનકે ખૂબ જ ગંભીર લોકડાઉનમાં રહેલી કાઉન્સિલ માટે £500 મિલિયનની મદદની જાહેરાત કરી હતી. વધુ અમલીકરણ અને ટેસ્ટ અને ટ્રેસ પગલાં માટે વ્યક્તિ દીઠ £8નું ફંડિંગ કરશે. જ્હોન્સને અગાઉ વધુ £1 બિલીયન સ્થાનિક સરકારોને આપ્યા છે.
સરકારે જાહેર કરેલી થ્રી ટાયર સીસ્ટમના નિયમો મુજબ છે.
વધુ ઉંચુ જોખમ ધરાવતા વિસ્તારો
લગ્નના રિસેપ્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે પરંતુ લગ્નમાં 15 લોકો એક સમારોહમાં ભાગ લઈ શકે છે. જે બિઝનેસ બંધ હશે તેમના કર્મચારીઓને થ્રી-ટાયર પ્રતિબંધના ભાગ રૂપે બંધ રહેવા જણાવાશે તો તેમને વેતનના 67 ટકા પગાર ચૂકવાશે.
નવી સિસ્ટમમાં સંખ્યાબંધ વિસંગતતાઓ છે. ટાયર-ત્રણ લોકડાઉન હેઠળના વિસ્તારોમાં રહેતા લોકો પર ટેકનીકલી મુસાફરી પર પ્રતિબંધ છે. પણ તેઓ નોકરી-ધંધે, શિક્ષણ કે કોઇની કેર સિવાય તે વિસ્તાર છોડી શકશે નહિ. આજ રીતે ખૂબ ઉંચા જોખમવાળા વિસ્તારોની બહાર રહેતા લોકોને તેમાં પ્રવેશવાનું અને રાત રોકાવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. જો કે, આ કાયદાકીય પ્રતિબંધને બદલે માર્ગદર્શન છે અને તેનો અમલ કરી શકાય તેવું નથી.
જો કે સરકાર ખૂબ ઉંચા જોખમવાળા વિસ્તારો પર કેટલાક વધારાના પ્રતિબંધો લાદી શકે છે. ટાયર થ્રી પ્રતિબંધોને દર 28 દિવસે રીન્યુ કરવા પડશે અથવા તે આપમેળે સમાપ્ત થઈ જશે.
ઉંચુ જોખમ ધરાવતા વિસ્તારો
ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં ગ્રેટર માન્ચેસ્ટર અને યોર્કશાયર અને નોર્થઇસ્ટના મોટા ભાગો શામેલ છે હાલમાં લંડન આ યાદીમાં નથી પરંતુ મેયર સાદિક ખાને સૂચવ્યું છે કે આ અઠવાડિયામાં તેને ઉમેરવામાં આવશે.
નોટિંગહામશાયરનું મેન્સફિલ્ડ હજી ટાયર ટુ પ્રતિબંધો ભોગવે છે. પણ તે ભૌગોલિક રીતે ડર્બીની નજીક છે, જે મધ્યમ જોખમમાં છે. આ સમયે ઉંચા જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર કોઈ મુસાફરી પ્રતિબંધો નથી. નવા માર્ગદર્શન હેઠળ લોકો હજી પણ કોઈપણ કારણોસર આ ક્ષેત્ર છોડી શકે છે અને રાત પણ રહી શકે છે. જો કે, મંત્રીઓ આ વિસ્તારોમાં લોકોને તેમની મુસાફરીની સંખ્યા ઘટાડવા, વ્યસ્ત સમયે અને જાહેર પરિવહનને ટાળવા માટે વિનંતી કરી છે. ઉચ્ચ જોખમ સ્તરવાળા વિસ્તારોમાં દર 14 દિવસે તેમની રેટિંગનું મૂલ્યાંકન કરવામાં આવશે.
મધ્યમ જોખમવાળા વિસ્તારો
આ ટાયર દેશના અન્ય તમામ ભાગોને આવરી લે છે જ્યાં હાલના રાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ છે. અહિં બધા પબ્સ, રેસ્ટૉરન્ટ્સ અને વેન્યુને હાલમાં ખુલ્લા રાખવા દેવામાં આવ્યાં છે જે રાત્રે 10 થી 5 દરમિયાન બંધ રાખવા પડશે. રૂલ્સ ઓફ સીક્સના નિયમ અંતર્ગત વિવિધ ઘરના છ લોકો જાહેર અને ખાનગી જગ્યાઓ પર મળી શકશે. કોવિડ-સુરક્ષિત વાતાવરણમાં બેસીને જમવાનું હોય તો 15 લોકો સુધી લગ્ન અને રિસેપ્શન થઈ શકે છે. આયોજીત ઇન્ડોર રમત અને જીમ ખુલ્લા રહી શકે છે. જો કે, સરકાર ચેતવણી આપી રહી છે કે નિયમોને સખ્તાઇથી લાગુ કરવામાં આવશે અને ચેપ દરમાં વધારો થવાનો અર્થ મધ્યમ-સ્તરના વિસ્તારો ઝડપથી ઉચ્ચ જોખમના સ્તર તરફ જશે.
કોવિડ-સુરક્ષિત વાતાવરણમાં બેસવાનું જમવાનું હોય ત્યાં સુધી 15 લોકો સુધી લગ્ન અને રિસેપ્શન થઈ શકે છે.