અમેરિકામાં વોશિંગ્ટન ખાતેની ઇન્ડિયન એમ્બેસીએ વિઝા સર્વિસિસ માટે તેના આઉટસોર્સિંગ સર્વિસ પ્રોવાઇડર બદલવાની જાહેરાત કરી છે. બે નવેમ્બરથી કોક્સ એન્ડ કિંગ્સ સર્વિસિસ (CKGS)ની જગ્યાએ VFS ગ્લોબલ વિઝા, OCI, રીનન્સીએશન, પાસપોર્ટ અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ સહિતની કામગીરી કરશે. CKGS બુધવાર 14 ઓક્ટોબર 2020ના રોજ 1700 કલાક (ઇસ્ટર્ન ટાઇમ) થી વોશિંગ્ટન ખાતેનું તેનું હાલનું સર્વિસ સેન્ટર બંધ કરશે.
એમ્બેસીની જાહેરાત મુજબ નવા સર્વિસ પ્રોવાઇડર કામગીરી સાંભળે નહીં ત્યાં સુધી OCI સર્વિસિસ બંધ રહેશે. 19 ઓક્ટોબરથી ઇન્ડિયન એમ્બેસી માત્ર ઇમર્જન્સીના કિસ્સામાં ડાયરેક્ટ લિમિટેડ સર્વિસિસ પૂરી પાડશે. આ મર્યાદિત સર્વિસિસ VFS ગ્લોબલ તેની સર્વિસિસ ચાલુ કરે ત્યાં સુધી મળશે. VFS બે નવેમ્બરથી આ કામગીરી ચાલુ કરે તેવી ધારણા છે. ઇમર્જન્સી સર્વિસિસ માટેની વિગત https://www.indianembassyusa.gov.in/extra?id=60 મળશે. ઇમર્જન્સી વીઝા માટે [email protected] અને [email protected] પર મેઇલ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
એમ્બેસીના જણાવ્યા અનુસાર VFS ગ્લોબલની સંપર્ક માહિતી, સર્વિસિસ ફીની વિગત, કામગીરીના સમય વગેરેની માહિતી વોશિંગ્ટન ખાતેની ઇન્ડિયન એમ્બેસીની વેબસાઇટ પર પ્રકાશિત કરાશે.
આ ફેરફારને પગલે CKGSની વેબસાઇટ ઉપર માત્ર 14 ઓક્ટોબર સુધી જ અરજી સબમિટ કરી શકાશે. મેઇલમાં મોકલવામાં આવેલા ડોક્યુમેન્ટ 16 ઓક્ટોબર 2020 સુધી CKGS સુધી પહોંચે તે અરજદારે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ પછી મળેલા ડોક્યુમેન્ટ કોઇ પ્રોસેસિંગ વગર પરત કરવામાં આવશે.
અટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, ન્યૂ યોર્ક અને સાન ફ્રાન્સિસ્કો ખાતેના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના અધિકારક્ષેત્રમાં રહેતા અરજદારો આ પરિવર્તન કાળ દરમિયાન સર્વિસિસની માહિતી માટે સંબંધિત કોન્સ્યુલેટની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.