ગયા સપ્તાહે વિરોધ પક્ષ ડેમોક્રેટ્સ સાથેના મતભેદોના પગલે અમેરિકન અર્થતંત્ર માટે નવું રાહત પેકેજ ચૂંટણી પછી જ આપવાની ટ્રમ્પે જાહેરાત કર્યા બાદ તેના ઉગ્ર પડઘા પડતાં પ્રેસિડેન્ટે ફેરવી તોળ્યું છે અને હવે વ્હાઈટ હાઉસ $1.8 ટ્રિલિયનનું પેકેજ ઘડી રહ્યું હોવાના સંકેતો વચ્ચે ટ્રમ્પે એવું કહ્યું હતું કે પોતે તો હજી એનાથી પણ વધુ જંગી રાહતો વિષે આયોજન કરી રહ્યા છે.
ડેમોક્રેટ્સની બહુમતી ધરાવતી કોંગ્રેસની $2.2 ટ્રિલિયનના રાહત પેકેજની રજૂઆત સામે ટ્રમ્પે ફક્ત $1.6 ટ્રિલિયનની ઓફર કરી તે મુદ્દે મંત્રણાઓ તોડી નાખી હતી અને નવું પેકેજ ચૂંટણી પછી જ આપવાની પણ જાહેરાત કરી દીધી હતી. પણ 3 નવેમ્બરની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકપ્રિયતામાં સતત પાછળ રહેલા ટ્રમ્પના જક્કી વલણના અવળા પ્રત્યાઘાતો પડતાં પ્રેસિડેન્ટે એવું કહ્યું હતું કે, હું એવું ઈચ્છું છું કે, લોકોને વધુ નાણાકિય સહાય મળે. કોરોનાના પ્રકોપના કારણે આવી પડેલી મંદીમાં તેમનો કોઈ દોષ નથી.
હાઉસ સ્પીકર નેન્સી પેલોસી અને નાણાં પ્રધાન સ્ટીવન નુચિન વચ્ચે હજી પણ પેકેજ અંગે વાટાઘાટો ચાલી રહી હોવાથી લોકોને આશા છે કે ચૂંટણી પહેલા નવી રાહતો ચોક્કસ આવશે.
અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ કર્મચારીઓને જોબ્સ ગુમાવતા અટકાવવા, નાના-મોટા બિઝનેસીઝને બેંકરપ્સીથી બચાવવા સરકારી સહાયનો નવા રાઉન્ડ અતિ મહત્ત્વનો છે.