ગુજરાતના સતત ઔદ્યોગિક પ્રવૃત્તિથી વ્યસ્ત રહેતા કંડલા અને દિલ્હી વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ શરૂ થઇ રહી છે. આ ફ્લાઇટ બપોરે 2:55 કલાકે કંડલા એરપોર્ટ પર આવશે અને બપોરે 3:25 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ ફ્લાઈટમાં 78 બેઠક ઉપલબ્ધ થશે. કચ્છમાંથી સીધી દિલ્હીને જોડતી આ પ્રથમ ડેઇલી ફ્લાઇટ શરૂ થઇ રહી છે.
ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી ફરીથી તકલીફમાં મુકાયા છે. હવે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડ (RNEL)ને સાથેનો રૂ. 2500 કરોડનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. આ કરાર મુજબ કંપનીએ ઇન્ડિયન નેવીને પેટ્રોલિંગ શિપ પૂરા પાડવાની હતી પરંતુ તેમાં વિલંબ થવાના કારણે મંત્રાલયે કોન્ટ્રાક્ટ રદ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મંત્રાલયે તાજેતરમાં જ આ કરાર રદ કરવાનો નિર્ણય કર્યો છે.
કંપની અને નેવી વચ્ચે પાંચ પેટ્રોલિંગ શિપ ખરીદવા માટે વર્ષ 2011માં એક કરાર થયો હતો. જે અંતર્ગત આ કરાર રિલાયન્સે નિખિલ ગાંધી પાસેથી ગુજરાતના શિપયાર્ડને ખરીદતા અગાઉ થયો હતો. વર્ષ 2015માં આ ગ્રૂપનું નામ પિપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરીંગ લિમિટેડ હતું. તેના પછી તેનું નામ બદલીને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડ કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ વિરુદ્ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની અમદાવાદ બેન્ચમાં નાદારીની પ્રક્રિયા થઇ રહી છે. ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ નાદારીની કાર્યવાહીની પણ મંજૂરી આપી છે. લેણદારોએ કંપની પાસે રૂ. 43,587 કરોડનો દાવો કર્યો છે. જોકે, રિઝોલ્યુશન પ્રોફેશનલે અત્યાર સુધી માત્ર રૂ. 10,878 કરોડની યોજનાને મંજૂરી આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઓગસ્ટમાં 12 કંપનીઓએ રિલાયન્સ નેવલને ખરીદવા માટે રસ દાખવ્યો હતો. જેમાં એપીએમ ટર્મિનલ્સ, યુનાઈટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશન (રશિયા), હેઝલ મર્કેન્ટાઈલ લિમિટેડ, ચૌગુલે ગ્રૂપ, ઈન્ટરપ્સ (અમેરિકા) વગેરેનો સમાવેશ થાય.