શનિવાર તા. 10 ઓક્ટોબરના રોજ પ્રકાશિત મહારાણીના બર્થડે ઓનર્સની સૂચિ 2020માં ફ્રન્ટલાઈન કાર્યકરો અને કોમ્યુનીટી ચેમ્પિયનનો દબદબો રહ્યો છે. આ બમ્પર લિસ્ટમાં કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને ચારેય રાષ્ટ્રોમાંના અસંખ્ય હીરોઝને બહુમાન આપવામાં આવ્યું હતું. 414 લોકોને અપવાદરૂપ યોગદાન બદલ સન્માનિત કરાયા હતા અને તેમાં લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના 13% લોકો હતા, જે આજની તારીખમાં સૌથી વધુ વંશીય વૈવિધ્યસભર સૂચિ રહી છે.
ગયા અઠવાડિયે £6 બિલીયનમાં વોલમાર્ટ પાસેથી અસ્ડાને હસ્તગત કરનાર બિલીયોનેર ભાઈઓ ઝુબેર વલી ઇસા અને મોહસીન વલી ઇસાને કમાન્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (સીબીઇ)નો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો. બ્લેકબર્નના ભાઈઓએ લગભગ બે દાયકા પહેલા પેટ્રોલ સ્ટેશન ઑપરેટર ઇ.જી. ગ્રુપની સ્થાપના કરી હતી, જે યુકે અને યુ.એસ.ના હિતો સાથે ઝડપથી વિકસ્યું છે. કેરહોમ્સ ઉદ્યોગસાહસિક ફારૂક રાશિદ શેખને પણ સીબીઈથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતી બિઝનેસમેન અનંત મેઘજી પેથરાજ શાહને શિક્ષણ, આરોગ્ય અને પશુ કલ્યાણ સેવાઓ માટે સીબીઇ એનાયત કરાયો છે. લંડનના 100 વર્ષિય વૃદ્ધ દાબીરુલ ઇસ્લામ ચૌધરીને ઓબીઇથી સન્માનિત કરાયા છે. ચૌધરીએ કેપ્ટન ટોમ મૂર પરથી પ્રેરણા લઇ ચેરિટીઝ માટે નાણાં એકત્ર કરવા તેમના બગીચામાં ચાલવાનું શરૂ કર્યું હતું અને £1,000ના લક્ષ્ય સામે એપ્રિલ માસમાં રમઝાન દરમિયાન £228,315 એકત્રીત કર્યા હતા જે યુકે, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં કોવિડ-19 ના પીડિતોને અપાયા હતા.
અન્ય એશિયન લોકોમાં ફિટનેસ કોચ લવિના મહેતા અને “સ્કિપિંગ શીખ” રાજીન્દર સિંઘ હરઝાલનો પણ સમાવેશ થાય છે જેમને એમબીઇ મળ્યો હતો. વેસ્ટ યોર્કશાયરના બાટલી ખાતે રહેતા આસ્ડાના 24 વર્ષના કર્મચારી ઇમરાન રશીદ ડાવજીને ભરતીની પ્રક્રિયાની સ્થાપના કરવા બદલ MBE મળ્યો હતો. જેને કારણે સુપરમાર્કેટ રોગચાળા દરમિયાન વધારાના 25,000 કામચલાઉ કર્મચારીઓની નિમણૂક કરી શક્યું હતુ. તેમના સાથીદાર અને અસડાના હાઉસ સુપ્રિન્ટેન્ડન્ટ ફાર્માસિસ્ટ, એથિક્સ અને કમ્પલાયન્સ ફૈઝલ ટડ્ડીને સ્થાનિક સમુદાયની સેવા બદલ બ્રિટીશ એમ્પાયર મેડલ મળ્યો હતો. ટડ્ડીએ કન્ટીન્જન્સી પ્લાન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેથી આસ્ડા તેની દરેક 254 ફાર્મસીઓ દેશભરમાં ખુલ્લી રાખી શક્યું હતુ.
સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન સેફ્ટી ફોર ઓલ્ડર પીપલ (સીઇએસઓપી)ના અધ્યક્ષ અને કેબિનેટ ઑફિસ ઓનર્સ ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન સમિતિના સભ્ય પ્રોફેસર ઇકબાલ સિંઘ, OBE FRCPએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “કોવિડ 19ની BAME ડૉક્ટરો, નર્સો, આરોગ્ય અને કેર વર્કર પર ભારે અપ્રમાણસર અસર પડી છે. તેથી તેમના યોગદાનને માન્યતા આપવામાં આવે તે મહત્વનું અને યોગ્ય છે. જેમણે તેમના સમુદાયમાં ફરક પાડ્યો છે તેવા સમાજના દરેક ક્ષેત્રના અને વર્ગના લોકોને સન્માન આપવામાં આવે છે.’’
અન્ય અગ્રણીઓમાં ફૂડ રાઇટર અને બ્રોડકાસ્ટર મેરી બેરી અને અભિનેત્રી મૌરીન લિપમેનને ડેમ અને અભિનેતા ડેવિડ સુચેટને નાઈટહૂડ એનાયત કરાયું છે.
2020 રાણીના જન્મદિવસની ઓનર્સ સૂચિમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન શિક્ષણ અને બાળકોની સેવાઓમાં નોંધપાત્ર યોગદાન આપનાર દેશભરના 98 હેડટિચર્સ, શિક્ષકો, સામાજિક કાર્યકરો, ફોસ્ટર કેરર્સ અને નેતાઓને માન્યતા આપવામાં આવી હતી. સન્માનિત લોકોમાં, લંડનની ઓક નેશનલ એકેડેમીના પ્રિન્સીપાલ મેથ્યુ હૂડ અને કેરીક્યુલમ ડાયરેક્ટર ડેવિડ થોમસને તેમની સેવાઓ માટે ઓબીઇ આપવામાં આવ્યા છે. જેમણે વિદ્યાર્થીઓ શિક્ષણ ન ચૂકી જાય તે માટે ઑનલાઇન લેસન પૂરૂ પાડ્યું હતું અને ખાસ શૈક્ષણિક જરૂરિયાતો અને અસક્ષમ વિદ્યાર્થીઓને લોકડાઉન દરમિયાન શાળામાં હાજર રહી શકે તેવી વ્યવસ્થા કરી હતી.
એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમ્સને કહ્યું હતું કે“લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે તે સુનિશ્ચિત કરવાનું કામ અસાધારણ હતું. હું ઓનર્સ મેળવનાર તમામને અભિનંદન આપવા માંગુ છું.’’
કોવિડ -19 કટોકટી દરમિયાન કામ કરવા બદલ સોશ્યલ વર્કર, મનવીર હોથીને એમબીઈ આપવામાં આવ્યો છે. રેનાલ્ડ્સ ક્રોસ સ્કૂલના હેડ ટીચર જેન ડેવેનપોર્ટને કટોકટી દરમિયાન ખાસ શૈક્ષણિક આવશ્યકતાઓ અને અસક્ષમ યુવાનો માટે તેમની સેવાઓ બદલ એમ.બી.ઇ. એનાયત કરાયો હતો. યુકેના પ્રથમ બ્લેક હેડટિચર, યોવ્ન કોનોલીને શિક્ષણ માટેની તેમની સેવાઓ માટે સીબીઇ આપવામાં આવ્યો છે.
રાણીના જન્મદિવસના ઓનર્સની સૂચિ, 2020માં સમગ્ર યુકેના 1,495 લોકોનું સન્માન કરાયું હતું. જેમને એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાંથી 72% લોકોએ તેમના સ્થાનિક સમુદાય માટે અથાક મહેનત કરી છે. જે કોવિડ-19 રોગચાળા દરમિયાન દેશભરમાં વિશાળ સ્વૈચ્છિક પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. તેમણે શિલ્ડ કરનારા નબળા લાખો લોકોને નિ:શુલ્ક ભોજન પૂરૂ પાડ્યું હતું, એનએચએસ ફ્રન્ટલાઈન કામદારોને ભોજનના પેકેટ્સ પહોંચાડ્યા હતા અને જોખમમાં હોય તેવા લોકોને ટેકો આપવા માટે સ્વૈચ્છિક રીતે કલાકો સુધી કામ કર્યું હતું.
હેલ્થ અને સોશ્યલ કેર કાર્યકરો આ સૂચિનાં 14% ભાગ ધરાવે છે. નર્સ અને મિડવાઇફના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વર્ષની ઉજવણી તરીકે નવા વર્ષની સન્માન યાદીના 17ની સરખામણીએ, 41 નર્સો અને મિડવાઇફ્સને આજની સૂચિમાં શામેલ કરવામાં આવી છે. ક્વીનનો બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં સન્માન મેળવનારા 11% લોકો તો 30 વર્ષ નીચેના છે.
લવિના મહેતા અને રાજેન્દર સિંઘ હરજલ ‘ધ સ્કિપિંગ સીખ’ તરીકે ઓળખાય છે તેમને વૃદ્ધ લોકોને લોકડાઉનમાં સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવા બદલ એમબીઇ એનાયત થયો હતો.
મહારાણીના જન્મદિવસની ઑનર્સ સૂચિનો મોટોભાગ રોગચાળા પહેલા સંકલિત કરવામાં આવ્યો હતો. કોવિડ-19ના પ્રથમ મહિનામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા લોકો માટેના નામાંકનોની વિચારણા કરવા માટે આ સૂચિ મુલતવી રાખવામાં આવી હતી. સન્માન મેળવનારાઓમાં સર કેપ્ટન ટોમ મૂરની જેમ યુકેમાં સતત કરવામાં આવતા ઘણા યોગદાનના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે અને તેઓ સામૂહિક રાષ્ટ્રીય પ્રયત્નોનું પ્રતીક છે. ઓનર્સ સિસ્ટમ યુકે સમાજના પ્રમાણમાં પ્રતિનિધિ બનવાનો પ્રયત્ન કરે છે. આ ઓનર્સ સૂચિ યુકેમાંથી તમામ પૃષ્ઠભૂમિના લોકો દ્વારા આપવામાં આવતી સેવાની મહેંક દર્શાવે છે.
એવોર્ડ મેળવનારા 1,495 લોકોમાંથી 1,358 લોકો બીઇએમ, એમબીઇ અને ઓબીઇ સ્તરના છે. જેમાંથી 537 બી.ઇ.એમ., 561 MBE, 260 ઓબીઇ એવોર્ડ મેળવનારા છે. 1,069 (72%) સન્માનીત લોકો એવા છે કે જેમણે તેમના સમુદાયોમાં ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે. સન્માન મેળવનારા લોકોમાં 740 એટલે કે 49% મહિલાઓને માન્યતા આપવામાં આવી છે. સન્માનીત 13% લોકો BAME પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જ્યારે 6% સફળ ઉમેદવારો પોતાને (સમાનતા અધિનિયમ 2010 હેઠળ) અસક્ષમ માને છે. સંપૂર્ણ યાદી માટે જૂઓ. www.gov.uk/honours/honours-lists