ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ આઠ ઓક્ટોબરે નાણા નીતિની સમીક્ષામાં વ્યાજદરને સ્થિર રાખ્યા છે. મધ્યસ્થ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર (રેપો રેટ) ચાર ટકાએ સ્થિર રાખ્યાં છે, પરંતુ નાણા નીતિ અંગેના હળવા વલણને જાળવી રાખ્યું છે, જે ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાનો સંકેત આપે છે.
મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના નાણા નીતિના નિર્ણયોની જાહેરાત કરતાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રેપો રેટ ચાર ટકાએ સ્થિર રહેશે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાએ જાળવી રાખવામાં આવ્યો છે. વ્યાજદરમાં ઘટાડો ન કરવામાં આવતા વિવિધ લોનના ઇએમઆઇમાં ઘટાડો ન થાય તેવી શક્યતા છે.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં 9.5 ટકાનો ધરખમ ઘટાડો થવાની શક્યતા છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ)ના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં 23.9 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કોરોના વાઇરસ સામેના નિર્ણાયક જંગમાં ભારતનું અર્થતંત્ર નિર્ણાયત્મક તબક્કામાં પ્રવેશ્યું છે.
2020-21ના ચોથા ક્વાર્ટરમાં ફુગાવાનો દેર ઘટીને રિઝર્વ બેન્કના ટાર્ગેટ લેવલે આવવાની શક્યતા છે. ભારતમાં રિટેલ ફુગાવો તાજેતરના મહિનાઓમાં છ ટકાથી ઊંચો રહ્યો છે. સરકારે ફુગાવો ચાર ટકા રાખવાનો આરબીઆઇને મેન્ડેડ આપેલો છે. દાસે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં રિકવરીની ધારણા છે. જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ પોઝિટિવ બની શકે છે.