કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનનું લાંબી બિમારી બાદ બુધવારની રાત્રે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. પાસવાન કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન મંત્રી હતા. લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને કેન્દ્રીય પ્રધાનના નિધનની જાણકારી આપી હતી. રામવિલાસ પાસવાન 1969થી રાજકારણમાં સક્રિય હતા. 23 વર્ષની વયે પ્રથમ વખત બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા.
લોક જનશક્તિ પાર્ટીના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાનની તાજેતરમાં હાર્ટ સર્જરી થઈ હતી અને છેલ્લાં ઘણાં દિવસથી પાસવાન બિમાર હતા. દિલ્હીની હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 2019માં ફરીથી મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પણ તેમને પ્રધાનપદ મળ્યું હતું. એ પહેલાં પાસવાન મનમોહન સિંહની સરકારમાં 2004થી 2009 દરમિયાન કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા હતા. 2000માં જનતાદળમાંથી છેડો ફાડીને રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી બનાવી હતી. એ પછીની બિહારની વિધાનસભાની ચૂંટણીમાં એલજેપીને 29 બેઠકો મળી હતી.
રામવિલાસ પાસવાને 1969માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 23 વર્ષની વયે યુનાઈટેડ સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર બિહારની વિધાનસભામાં પાસવાન વિજેતા બન્યા હતા. દલીત નેતા તરીકે રામવિલાસ પાસવાનની બિહારમાં મજબૂત પક્કડ હતી. ખેડૂતોમાં પણ એક સમયે રામવિલાસ પાસવાન ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેમના નામે જંગી બહુમતીથી લોકસભામાં વિજેતા બનવાના વિક્રમો નોંધાતા હતા.
રામવિલાસ પાસવાન અલગ અલગ છ સરકારોમાં પ્રધાન બની ચૂક્યા હતા. પહેલી વખત 1989માં વીપી સિંહની સરકારમાં પાસવાન શ્રમ કલ્યાણ પ્રધાન બન્યા હતા. દેવગૌડા વડાપ્રધાન બન્યા ત્યારે 1996થી 1998 દરમિયાન પાસવાન રેલવે પ્રધાન બન્યા હતા. 1999માં તેમને માહિતી અને પ્રસારણ પ્રધાન બનાવાયા હતા. વીપી સિંહથી લઈને મોદી સુધીના છ વડાપ્રધાનોના મંત્રાલયમાં રામવિલાસ પાસવાને જગ્યા બનાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામવિલાસ પાસવાનના નિધન અંગે શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે રામવિલાસ પાસવાન ભારતના રાજકારણમાં સખત પરિશ્રમનું પ્રતીક હતા. તેમણે યુવાવયે ભારતના રાજકારણને નજીકથી જોયું હતું. કટોકટી વખતે તેમણે યુવાનેતા તરીકે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ, યોગી સહિતના નેતાઓએ રામવિલાસ પાસવાને શ્રદ્ધાંજલિ આપી હતી.