કેનેડાની મેકગીલ યુનિવર્સિટીએ એક સર્વેક્ષણ કર્યું હતું. અમેરિકા-કેનેડાના જાણીતા રસી વિશેષજ્ઞાોનો અભિપ્રાય મેળવીને યુનિવર્સિટીના અભ્યાસમાં દાવો કરાયો હતો કે ૨૦૨૧ની શરૃઆતે કોરોનાની રસી આવી જાય એવી શક્યતા બહુ જ ઓછી છે. રસી આવતા આવતા ૨૦૨૧નું વર્ષ પૂરું થઈ જશે!
કેનેડાની યુનિવર્સિટીએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૨૮ નિષ્ણાતોનો મત લેવાયો હતો. આ નિષ્ણાતોને ઓછામાં ઓછો ૨૫ વર્ષનો અનુભવ હતો. અમેરિકા અને કેનેડાના ૨૮ નિષ્ણાતોએ ૨૦૨૧ના આરંભે કોરોનાની રસી મળી જાય એવી શક્યતા પાંખી હોવાનું જણાવ્યું હતું.
નિષ્ણાતોએ કહ્યું હતું ઃ ૨૦૨૧ના આરંભે કોરોનાની રસી આવી જશે એ દાવો આશાવાદી જરૃર છે, પરંતુ વ્યવહારુ જણાતો નથી. ભલે અત્યારે એવા અહેવાલો આવતા હોય કે રસી ૨૦૨૧ના શરૃઆતી મહિનાઓમાં આવી જશે, પરંતુ રસી આવશે ત્યારે ૨૦૨૧ પૂરું થવામાં હશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે અત્યારે ૧૫૦ જેટલી કંપનીઓ રસી શોધવાના પ્રયોગો કરી રહી છે, પરંતુ એમાંથી બહુ જ ઓછી કંપનીઓને ટ્રાયલમાં ધારી સફળતા મળી છે. જે કંપનીઓને ધારી સફળતા મળી છે એ હજુ આગામી તબક્કાના પ્રયોગો કરશે એમાં પણ થોડો વખત લાગશે. તે પછી વેક્સિનનું ઉત્પાદન થશે અને ત્યાર બાદ આવશે વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનનો તબક્કો. આ બધું થતાં ૨૦૨૧ના વર્ષનો નવેમ્બર કે ડિસેમ્બર મહિનો આવી જશે.
૨૮માંથી ઘણાં નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે લોકો સુધી રસી પહોંચશે ત્યાં સુધીમાં ૨૦૨૨નું વર્ષ આવી જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. રસી આવવાને લઈને આવેલો નવો રીપોર્ટ ચિંતાજનક છે, પરંતુ અહેવાલમાં કહેવાયું હતું કે લોકોને ખરી સ્થિતિનો ચિતાર આપવાના ઈરાદાથી આ સર્વેક્ષણ હાથ ધરાયું હતું. રસી ન આવે ત્યાં સુધી સલામતિના જે પગલાં ભરવાનું શરૃ છે એ અવિરત રાખવાની સલાહ પણ યુનિવર્સિટીએ આપી હતી.
કેનેડાની મેકગીલ યુનિવર્સિટીએ હાથ ધરેલું સર્વેક્ષણ જનરલ ઈન્ટરનલ મેડિસીન જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. અહેવાલમાં દાવો થયો હતો કે જે રસી પહેલા માર્કેટમાં આવશે તેમાં સુરક્ષા ચેતવણી પણ સાથે હશે. તેનો અર્થ એ કે તેની આડઅસર અંગે લોકોને સાવધાન કરાશે અને તેના જોખમોથી અવગત કરાયા પછી જ સારવાર અપાશે.