અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ પહેલી મહિલા અવકાશ યાત્રી ઇન્ડિયન અમેરિકન કલ્પના ચાવલાના નામે સિગ્નસ અવકાશયાનને અંતરીક્ષમાં રવાના કર્યું હતું. નોર્થરોપ ગ્રુમેનનું આ અવકાશયાન એક માલવાહક યાન છે જે અંતરીક્ષમાં કામ કરી રહેલા અવકાશ મથકને જરૂરી ચીજો પહોંચતી કરશે.
અગાઉ એસએસ કલ્પના ચાવલાના લોંચિંગને બે વખત ટાળવામાં આવ્યું હતું શુક્રવારે લોંચિંગની બે મિનિટ અને 40 સેકંડ પહેલાં એના ગ્રાઉન્ડ સપોર્ટ ઇક્વીપમેન્ટમાં કંઇક ખોટકો થતાં એને લોંચ કરી શકાયું નહોતું. અગાઉ સપ્ટેંબરની 29મીએ હવામાન પ્રતિકૂળ હોવાથી એને લોંચ કરી શકાયું નહોતું. નોર્થરોપ ગ્રુમેને સપ્ટેંબરમાં જ આ સેટેલાઇટનું નામ કલ્પના ચાવલા નક્કી કર્યું હતું.
કંપનીએ જાહેર કર્યું હતું કે કલ્પના ચાવલાના નામે અમારા હવેપછીના એનજી ફોર્ટિન સિગ્નસ સ્પેશક્રાફ્ટનું નામ રાખતાં અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ. નોર્થરોપ ગ્રુમેનના એંટારેસ રૉકેટ દ્વારા આ યાનને લોંચ કરાઇ રહ્યું હતું. વર્જિનિયા ખાતે આવેલા નાસાના અવકાશ મથકેથી આ કલ્પના ચાવલા યાનને રવાના કરાયું હતું. આ મિશનને એનજી ફોર્ટિન નામ અપાયું હતું. બે દિવસ પછી આ યાન ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશને પહોંચી જશે. આ એક રિ-સપ્લાય શીપ છે. એની મદદથી ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશનને 3,629 કિલો જેટલો સામાન લઇ જવાશે.