સસેક્સના ડ્યુક પ્રિન્સ હેરી વંશીય જાગૃતિના રોલ મોડલ ક્યારેય રહ્યા નથી ત્યારે બ્લેક માતા અને વ્હાઈટ પિતાની પુત્રી અને પત્નીના સ્મિત વદન વચ્ચે પ્રિન્સ હેરીએ એથનિક માઈનોરિટીઝ, બ્લેક તથા એશિયન સમુદાયના લોકોને તકના અભાવ પ્રત્યે તેમની જાગૃતિની વાત કરી હતી.
પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, યુ.કે. અને વિશ્વભરમાં ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા મુદ્દાઓથી તેઓ વાકેફ છે તેમ માનતા હતા પરંતુ વાસ્તવમાં તેમ નથી. પ્રિન્સે પ્રશ્ન કર્યો હતો કે શું તમને ખબર છે કે, તમે તમારા બાળકો સાથે રમકડાંની દુકાનમાં જાઓ છો તો માત્ર ગોરી ઢીંગલીઓ જ હોય છે? કાળી કે અશ્વેત ઢીંગલી રમકડાંની દુકાનમાં ના મળે તે શું વિચિત્ર નથી લાગતું?
પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, રમકડાંનો તો તેમણે દાખલો આપ્યો છે પરંતુ ગોરાઓએ ગોરાઓ માટે બનાવેલી દુનિયામાં બીજા વર્ણ, વંશના લોકો માટે પણ ગોરાઓ જેવું હોવું જોઇએ તેની જાગૃતિ ગોરાઓને નથી. આ કોઇની સામે આંગળી ચીંધવા કે દોષ દેવાનો સમય નહીં પરંતુ સાચું શીખવાનો અને વધુ સારું કરવાનો સમય છે.
‘બ્લેક હિસ્ટ્રી મંથ’ની ઉજવણીના પ્રારંભે કેલિફોર્નિયાના નિવાસેથી આપેલી મુલાકાતમાં સસેક્સના શાહી દંપતિ પ્રિન્સ હેરી અને મેઘને જણાવ્યું હતું કે, ગોરાઓ વિભિન્ન વર્ણ રંગના લોકો વિષે વધુ સમજી શકે તો યુકે વધુ સારો દેશ બની શકે. લંડન વિષે બોલતા પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, આમ તો લંડનને વૈવિધ્યપૂર્ણ શહેર ગણવામાં આવે છે, પરંતુ લંડનની શેરીઓમાં લોકો સાથે વાત કરો તો તેટલી વાસ્તવિક વિવિધતા અનુભવાતી નથી.
‘બ્લેક લાઇવ્સ મેટર પ્રોટેસ્ટ’ના સંદર્ભમાં મેઘને કબૂલ્યું હતું કે, આ દેખાવો ઘણા બધા લોકો માટે ઉશ્કેરણીજનક રહ્યા છે પરંતુ માત્ર શાંતિપૂર્ણ દેખાવોમાં સામુદાયિક સમાનતા અને સમાનતાને સ્વીકૃતિની વાત હોય તો તે ઘણી સારી વાત છે. મેઘને ત્રણ જણાંના પરિવારનો આનંદ માણતા હોવાનું જણાવ્યું હતું. મેઘને પોતાના સંતાનની હાજરી આનંદભેર માણતાં જણાવ્યું હતું કે, તે (સંતાન) અમને સતત દોડતા રાખે છે.