કોરોના વાઇરસને ફેલાવાને અંકુશમાં લેવા માટે સુરતમાં હોટલ-ગેસ્ટ હાઉસ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. સુરતમાં આવનાર પ્રવાસીઓની વિગતો હવે 24 કલાકમાં પોલીસને પહોંચાડવાની રહેશે તેવું સુરત પોલીસ કમિશનરે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સિવાય પ્રવાસીના નામ, સરનામા અને ટેલિફોન નંબર સહિતના તમામ પ્રુફ આપવાના રહેશે. ઉપરાંત જે-તે વાહનમાં આવ્યા હોય તેની વિગતો પણ આપવાની રહેશે.
જાહેરનામા અનુસાર સુરતમાં મકાન, હોટલ, લોજ, બોર્ડિંગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજયો કે પછી વિદેશમાંથી આવતા પ્રવાસી નાગરિકો અંગેની માહિતી 24 કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમાર દ્વારા વટહુકમ જાહેર કરવામાં આવ્યો છે. તેઓના પાસપોર્ટ, વીઝા અને ભારતમાં આવ્યા અંગેની ડિટેઈલ કોપી સહીતની વિગતો લેવાની રહેશે. સુરતની તમામ હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, લોજ, બોર્ડીંગ દ્વારા પ્રવાસી મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી માં કરવાની રહેશે. હોટલના સીસીટીવી કેમેરા ૨૪ કલાક ચાલુ રહે તેની તકેદારી સંચાલકોએ રાખવાની રહેશે.