ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને તકલીફ ન પડે તેના માટે મંગળવારે, 6 ઓક્ટોબરે ડિજિટલ સેવા સેતુની જાહેરાત કરી હતી. આનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોને સવલત પૂરી પાડવાનો છે. રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત રાજ્યના 2700 ગામમાં 8 ઓક્ટોબરથી ડિજિટલ સેવાસેતુ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યું કે આજથી રાજ્યના 3500 ગામડાંઓ ડિજિટલ સેવા સેતુમાં જોડાયા છે. ડિસેમ્બર સુધીમાં 8000 ગામોને આવરી લેવાશે.
ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે. મુખ્યપ્રધાને આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ નિર્ણય કર્યો છે.