ડૉ. સમન મીર સચાર્વી (ઉ.વ. 49) અને તેમની પુત્રી વિઆન માંગ્રિયો (ઉ.વ. 14)ની લાશ તા. 1ને ગુરૂવારે સવારે લગભગ 8.45 કલાકે તેમના લેન્કેશાયરના બર્નલી ખાતે આવેલા ઘરમાંથી મળી આવી હતી. શંકા છે કે હત્યારાઓએ ઘરને આગ લગાવી દીધી હતી. બર્નલીથી હત્યા અને બળાત્કારના બે કાઉન્ટ અને કોઇના જીવને જોખમમાં મૂકવાના ઇરાદે આગ ચાંપવાની શંકાના આધારે 51 અને 56 વર્ષની વયના બે જણાની ધરપકડ કરવામાં આવી છે.
ડો. સચાર્વીના પોસ્ટ મોર્ટમમાં તેમનુ મોત ગળા પર દબાણના કારણે થયું હોવાનું અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો તેમ જણાયું છે. તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે નેલ્સનની મર્સડેન હાઇટ્સ કમ્યુનિટિ કોલેજની વિદ્યાર્થી મિસ મેંગ્રીયોની લાશ ખરાબ રીતે બળી ગયેલી હાલતમાં મળી આવી હતી. પરંતુ અધિકારીઓએ હજી સુધી તેના મોતનું કારણ નક્કી કર્યું નથી.
ડૉ. સચાર્વી, ગત ફેબ્રુઆરીથી લેન્કેશાયર અને સાઉથ કમ્બ્રિયા એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટની નિષ્ણાંત પેરીનેટલ કોમ્યુનિટી હેલ્થ ટીમના જુનિયર ડૉક્ટર તરીકે સેવા આપતા હતા. તેમણે તાજેતરમાં બ્લેકબર્નમાં ટ્રસ્ટની ડેઇઝીફિલ્ડ સાઇટ પર કામ કર્યું હતું.
તેમને શ્રદ્ધાંજલિ આપતા, પેરીનેટલ લીડ કન્સલ્ટન્ટ ગિલ સ્ટ્રેચને કહ્યું હતું કે “ડૉ. સચાર્વી મહેનતુ હતી અને તેણે ટીમ સાથે સારા સંબંધો બનાવ્યા હતા. તેઓ સહાનુભૂતિ દર્શાવતા અને મહિલાઓ તથા પરિવારો સાથે કામ કરતા હતા. તેના સાથીઓએ તેમને ખૂબ જ દયાળુ અને તેજસ્વી ગણાવ્યા હતા. કોવિડ લોકડાઉન દરમિયાન તેઓ મહિલાઓની મદદ કરવા બહાર જતા હતા અને ઘરે જઇને સ્ત્રીઓને પ્રિસ્ક્રિપ્શનો આપતા હતા.’’
મર્સડેન હાઇટ્સ કોમ્યુનિટી કોલેજના હેડટિચર એલિસન લિટલવુડે કહ્યું હતું કે “વિઆન અને તેની માતાના દુખદ અવસાનથી અમે આઘાત પામ્યા છીએ. વિઆન ઉત્કૃષ્ટ વિદ્યાર્થી હતી. તે ખૂબ જ પ્રખ્યાત હતી.”
શુભેચ્છકો દ્વારા રીડલીના કોલ્ન રોડ પર આવેલા પારિવારિક ઘરની બહાર પુષ્પાંજલિ આપવાનું ચાલુ છે.
રવિવારની ધરપકડ બાદ પોલીસે લોકોને સીસીટીવી અથવા ડેશકેમ ફૂટેજ આપવા અથવા જવાબદાર લોકો અંગે માહિતી આપવા અપીલ કરી રહી છે. લોકોને ઑક્ટોબર 3ના લોગ નંબર 0429નો ઉલ્લેખ કરી પોલીસને અથવા 0800 555 111 પર ક્રાઈમસ્ટોપર્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.