ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન બોરીસ જ્હોન્સન અને ભારતના ગૃહમંત્રી અમીત શાહ સુધીના સૌ કોઇએ કોરોનાવાયરસ સામે જંગ લડ્યો છે. પરંતુ ઇસ્ટ લંડનના ચેડવેલ હીથ ખાતે રહેતા ૬૩ વર્ષના અનિલભાઇ પટેલનો જંગ કઇંક અલગ જ રહ્યો છે. અનિલ પટેલ મે મહિનાની શરૂઆતમાં કોવિડ-૧૯નો શિકાર બન્યા હતા અને ૧૪૯ દિવસની લાંબી અને માવજતભરી સારવાર બાદ તેમને તા. 1ના રોજ ગુરુવારે હોસ્પિટલમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોરોના સામે આટલો લાંબો જંગ જીતનાર કદાચ તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા છે.
અનિલભાઇને ઇલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં બે મહિના સુધી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં અને કુલ ચાર મહિના હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી બે મહિના દરમિયાન તો તેમને દવાઓનો ભારે ડોઝ આપવાની ફરજ પડી હતી.
અનિલભાઇ પટેલે હોસ્પિટલમાં દાખલ થયાની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે, ‘’મને યાદ છે કે મારી દીકરીએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તે પછીના બે મહિનાનું મને કશું જ યાદ નથી. હોસ્પિટલમાં ગાળેલો સમય ભારે ઉતાર-ચડાવ ધરાવતો હતો. કેટલીક વાર મને લોકો પર વગર કારણે ખૂબ જ ગુસ્સો આવતો હતો, પરંતુ પાછળથી ખબર પડતા હંમેશા માફી પણ માગી લેતો હતો. હવે મને નવજીવન મળ્યું છે અને તે હોસ્પિટલના સ્ટાફને આભારી છે. તેમણે મારું જીવન બચાવ્યું અને મારી ખરેખર કાળજી લીધી છે. તેઓ મારા પરિવારનો ભાગ બની ગયા છે, ડૉક્ટરો, નર્સો અને ક્લીનર્સ, દરેક મને જાણે છે. હું તેમની પ્રશંસા કરી શકું તેમ નથી.’
અનિલભાઇ પટેલે, દર્શી સાથે લગ્ન કર્યા છે અને તેમની બે પુત્રી છે, અનીકા (ઉ.વ. 28) અને નિકિતા (ઉ.વ. 27). તેમની તબિયત સુધરવાનું ચાલુ રહે તે માટે તેમને રેસિડેન્શીયલ રેહાબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે અને તેમને આશા છે કે નવેમ્બરમાં પોતાની બંને પુત્રીના જન્મદિવસની ઉજવણી કરવા ઘરે જઇ શકશે.
અનિલભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘’મને એક સુંદર કુટુંબ મળ્યું છે અને મારે ઘરે પાછા જવું છે. અમે વીડિયો કૉલિંગ કરી રહ્યાં છીએ. મેં આ સમય દરમિયાન તેમને એક જ વખત જોયા છે, જ્યારે મને સ્ટાફ દ્વારા તેમને જોવા માટે બહાર લઈ જવામાં આવ્યો ત્યારે હું ખૂબ જ ભાવુક બની ગયો હતો. મન જો હોસ્પિટલમાં કોઇકે પ્રવૃત્ત રાખ્યો હોય તો તે મારો પરિવાર હતો. મારે ત્રણ બહેનો, ભત્રીજી અને ભત્રીજા અને ઘણા સારા મિત્રો પણ છે. હું મારો 90 ટકા સમય ફોન પર વિતાવતો હતો. મેં કર્મચારીઓ અને અન્ય દર્દીઓ સાથે ઘણી બધી ગપસપ પણ કરતો હતો. હું નથી ઇચ્છતો કે મારી સાથે જે થયું તેમાંથી બીજા લોકો પસાર થાય, તેથી દરેકે માસ્ક પહેરીને બધી સાવચેતી રાખવી જોઈએ. જ્યારે લોકો તેમ કરતા નથી તેવું હું સાંભળુ છું ત્યારે હું ખરેખર નારાજ થાઉં છું.’’
બિલ્ડિંગ મેનેજર તરીકે કામ કરતા અનિલભાઇ પટેલે ઑગસ્ટમાં હોસ્પિટલમાં જ 63મી વર્ષગાંઠ ઉજવી હતી અને સ્ટાફે તેમને એક મોટું કાર્ડ આપી બર્થ ડે ગીત ગાઇને તેમનો દિવસ બનાવ્યો હતો. તેમણે રોગચાળા દરમિયાન દરેકને સુરક્ષિત રાખવા માટેના નિયમોનું પાલન ન કરનારાઓ માટે ગંભીર સંદેશ આપ્યો હતો.
તેમના જન્મ દિવસનો વિડીયો જોવા માટે ક્લીક કરો https://www.youtube.com/watch?v=N_nsgpdZu5M&feature=youtu.be