વોલ્ટર રીડ નેશનલ મિલિટરી મેડિકલ સેન્ટરની બહાર કારમાં નીકળીને ટ્રમ્પે ચાર ઓક્ટોબરે લોકોનું અભિવાદન કર્યું હતું. . (REUTERS/Cheriss May/File Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સોમવાર સુધીમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે, એમ તેમના ડોક્ટર્સે જણાવ્યું હતું. જોકે ટ્રમ્પની તબિયાત અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તતા છે.

સારવાર ચાલુ હોવા છતાં ટ્રમ્પ રવિવારે બપોરે વોલ્ટર રીડ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. બ્લેક રંગની એસયુવીમાં ટ્રમ્પ માસ્ક પહેરીને પાછળની સીટમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે હોસ્પિટલની બહાર તેમના સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આવું કરતાં પહેલાં તેમણે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરીને આ વિશેની માહિતી પણ આપી હતી. માસ્ક વિશે પહેલેથી બેદરકારીને કારણે વિરોધ પક્ષો અને હેલ્થ એક્સપર્ટ ટ્રમ્પથી નારાજ છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી બહાર નીકળવા માટે ફરી એકવાર ટ્રમ્પની નિંદા થઈ છે. વિપક્ષી ડેમોક્રેટ્સનું કહેવું છે કે ટ્રમ્પ એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે તેઓ સંક્રમિત હોવા છતાં એકદમ સાજા છે.