ગાંધી જ્યંતી નિમિત્તે અમદાવાદની સાબરમતી જેલમાં પ્રથવાર રેડીયો પ્રિઝન નામથી રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કેદીઓ રેડીયો જોકી બનીને જેલમાં મનોરંજન આપશે. આની સાથે સાથે સાથે જેલ સાથે જોડાયેલી યાદગાર વાતો પણ તેમની સમક્ષ રજુ કરશે.
ગાંધી જ્યંતી નિમિત્તે સમગ્ર રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કેદીઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ તેઓ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા કેદીઓ માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘રેડિયો પ્રિઝન સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. રેડિયો સ્ટેશનનો હેતુ જેલમાં શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી આપવાનો છે. જો કે આ રેડિયો માત્ર જેલ પુરતુ જ હશે. જેમાં કેદીઓ પોતાની આગવી કળા, જીવનના સંઘર્ષ અને પોતાના વિચારો રજૂ કરી શકશે. આ નવતર પ્રયોગથી જેલના કેદીઓમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં 10 જેટલા કેદીઓ રેડીયો જોકી બન્યા છે. હાલમાં આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પછી કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મુકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં ગુજરાતની અન્ય 28 જેલોમાં પણ લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે જેલમાં 3 હજાર કેદીઓ છે. આ નવતર પ્રયોગથી જેમના જીવનના વિકાસ ના ઘડતરમાં નવી દિશા મળશે.