કોવિડ-19ના કારણે બીજા ક્વાર્ટરમાં યુકેની જીડીપી લગભગ 19.8 ટકા જેટલી તૂટી છે જેનો મૂળ અંદાજ જીડીપી 20.4% જેટલી તૂટશે તેવો હતો. 1955 પછી આ પહેલો રેકોર્ડરૂપ અને સૌથી મોટો ઘટાડો છે. અન્ય ડેટા સૂચવે છે કે 1920ના દાયકા પછી કદાચ સૌથી મોટુ પતન થશે.
માર્ચના અંતમાં દેશ લૉકડાઉનમાં પ્રવેશતા જાન્યુઆરીથી માર્ચના ગાળામાં બ્રિટનની અર્થવ્યવસ્થા 2.5 ટકા ઘટી હતી. બીજા ક્વાર્ટરમાં બ્રિટનના હાઉસહોલ્ડે તેમની આવકમાં રેકોર્ડ 29.1%ની બચત કરી હતી. જે પ્રથમ ક્વાર્ટરમાં માત્ર 9.6% હતી. લોકડાઉન દરમિયાન દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં લોકોએ ખર્ચ નહીં કરવાના કારણે આમ થયું હતું. તે વખતે સરકારે ફર્લો યોજના દ્વારા લોકોની જોબ્સને ટેકો આપ્યો હતો પરંતુ હવે તે યોજના સમાપ્ત થાય છે.
પ્રીમિયર મિટનના ફંડ મેનેજર જોન હડસને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી મળેલો આર્થિક ડેટા બેન્ક ઑફ ઇંગ્લેન્ડની પ્રારંભિક ધારણાઓ કરતાં વધુ સારો સાબિત થયો છે, પરંતુ કોવિડ-19 કેસ પાછા વધતા અને નિયંત્રણો વધતાં, તે ટૂંક સમયમાં બદલાઇ શકે છે.” સ્પેનમાં GDP 21.5% અને ફ્રાન્સમાં 19% ઘટી છે.
મે મહિના પછીથી લોકડાઉન સરળ થયા બાદ બ્રિટનની અર્થવ્યવસ્થામાં તીવ્ર સુધારો થયો છે. બેંક ઑફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્ર્યુ બેઇલીએ કહ્યું હતું કે તેમને અપેક્ષા છે કે ત્રીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં વાર્ષિક 7થી 10 ટકાનો ઘટાડો જોવા મળશે. વર્ષના અંતે બેરોજગારી વધીને 7.5% થઈ જશે.