વિન્ડરશ કૌભાંડ બાદ હોમ ઑફિસમાં પરિવર્તન અને સુધારણાના કાર્યક્રમની જાહેરાત કરતાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું છે કે ‘વ્યાપક સુધારણા યોજના’ હોમ ઑફિસમાં મૂળમાંથી સુધારો કરશે. વિન્ડરશ જનરેશનનો ભોગ બનેલા લોકો આવા અન્યાયનો ભોગ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા હોમ ઓફિસમાં સુધારા કરવા અને હોમ ઓફિસમાં સુસંગત વાતાવરણની સમીક્ષા કરી સાંસ્કૃતિક પરિવર્તનનો કાર્યક્રમ લાગુ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપી છે.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિન્ડરશ જનરેશને “ન્યાય માટે ખૂબ લાંબી પ્રતીક્ષા કરી છે” અને તેમણે પરિવર્તન લાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. વેન્ડી વિલિયમ્સની 30 ભલામણોનો અમલ કરાવવા માટે હોમ ઓફિસે સામાજીક સંગઠનોના નેતાઓ અને વિન્ડરશ ક્રોસ-ગવર્નિંગ વર્કિંગ ગ્રુપ સાથે મળીને કામ કર્યું હતું અને પહેલેથી જ બદલાવ કરવામાં આવ્યો છે.
વ્યાપક સુધારણા યોજના અંતર્ગત નવા કોમ્યુનિટી એન્ડ સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ હબની રચના અને સુસંગત વાતાવરણ કેવી રીતે કાર્ય કરે છે તેની સમીક્ષા કરાશે. વિભાગ અને બધા સ્ટાફ માટે તાલીમનો એક કાર્યક્રમ વિકસિત કરાશે અને સ્ટાફના દરેક સભ્ય આ દેશના માઇગ્રેશન અને જાતિના ઇતિહાસ વિશે તાલીમ લેશે.
પર્મેનન્ટ સેક્રેટરી મેથ્યુ રાયક્રોફ્ટે જણાવ્યું હતું કે “વિન્ડરશ કૌભાંડ જેવું ફરીથી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે બધી ભલામણોનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે અને જ્યાં સુધી અમે કામ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી ચાલુ રાખીશું.’’
વિન્ડરશ ક્રોસ-ગવર્નમેન્ટ વર્કિંગ ગ્રૂપના સહ અધ્યક્ષ, બિશપ ડેરેક વેબ્લીએ કહ્યું હતું કે “વિન્ડ્રશ ક્રોસ-ગવર્નન્સ વર્કિંગ ગ્રૂપ લેસન લર્ન્ડ રીવ્યુ માટેના તેના પ્રતિભાવને ટેકો આપવા માટે હોમ ઑફિસ સાથે કામ કરી રહ્યું છે.
2019માં, હોમ ઑફિસે વિન્ડરશ વળતર યોજના શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં કુલ £2.5 મિલિયનથી વધુની રકમની ચૂકવણી કરી ચૂકી છે. વિભાગે વધુ સંવેદનશીલ લોકોને સહાય અને સલાહ આપવા વનરેબલ પર્સન્સ ટીમ (વીપીટી)ની સ્થાપના કરી છે. 120થી વધુ એન્ગેજમેન્ટ એન્ડ આઉટરીચ ઇવેન્ટ્સ અને સર્જરીનું આયોજન કર્યું છે. 11,500થી વધુ વ્યક્તિઓને તેમના સ્ટેટસ અથવા બ્રિટીશ નાગરિકત્વ માટે મદદ કરતા 13,300થી વધુ દસ્તાવેજો વિન્ડરશ ટાસ્કફોર્સ – વિન્ડરશ હેલ્પ ટીમ દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.