ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીએ બાબરી મસ્જિદ ધ્વંસકેસમાં બધાં જ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના સીબીઆઇની ખાસ અદાલતના ચુકાદા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચુકાદો ઘણો મહત્વનો છે. અમાણા બધા માટે ખુશીની ક્ષણો છે.અડવાણીએ કહ્યું કે, ઘણા દિવસો પછી સારા સમાચાર મળ્યા છે. બસ એટલું કહેવા ઇચ્છીશ કે જય શ્રીરામ. બુધવાર, 30 સપ્ટેમ્બરના ચુકાદા બાદ શ્રી અડવાણીએ તેમના ઘરની બહાર ભેગાં થયેલા ટેકેદારોમાં મીઠાઈ પણ વહેંચી હતી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને વકીલોનો આભાર માન્યો.
કૉર્ટના ચુકાદા બાદ ભાજપના અન્ય સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ ચુકાદાનું સ્વાગત કર્યું હતુ.તેમણે કહ્યું કે, રામ મંદિર આંદોલન એક ઐતિહાસિક ક્ષણ હતી. જોશીએ કહ્યું કે અદાલતે આજે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. હું તમામ વકીલોનો આભાર માનું છું જેમણે શરૂઆતના દિવસથી દરેક સ્તર પર આ કેસમાં સાચા તથ્યોને કૉર્ટમાં રાખ્યા. આ તેમના પરિશ્રમ અને લોકોની સાક્ષીથી આ ચુકાદો આવ્યો છે. જોશીએ કહ્યું કે, રામ મંદિર આંદોલન એક ઘણો મહત્વનો સમય હતો. આનો ઉદ્દેશ દેશની મર્યાદાઓને સામે રાખવાનો હતો. હવે રામ મંદિરનું નિર્માણ પણ થવા જઇ રહ્યું છે, જય જય સિયા રામ, સબકો સન્મતિ દે ભગવાન.