બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સીબીઆઇની વિશેષ અદાલતે તેના ચુકાદામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિતના તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે 26 આરોપીએ કોર્ટમાં હાજર હતા.
જસ્ટિસ સુરૈન્દ્ર કુમાર યાદવે પોતાની કારકિર્દીના છેલ્લા દિવસે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે આ આખીય ઘટના પૂર્વાયોજિત નહોતી. બધું અચાનક બની ગયું હતું. સુપ્રીમ કોર્ટે જેને વિવાદાસ્પદ બાંધકામ ગણાવ્યું હતું એ કહેવાતી બાબરી મસ્જિદને 1992ના ડિસેંબરની છઠ્ઠીએ તોડી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઘટના સ્થળે બેથી અઢી લાખ લોકો હાજર હતા. જજના જણાવ્યું હતું કે આ ઘટના એટલી અચાનક બની હતી કે કોઇ મોટા ગજાના નેતાનો એના પર કાબુ રહ્યો નહોતો.
કેસના ચુકાદા વખતે 32માંના 26 આરોપીઓ કોર્ટમાં હાજર હતા. વયોવૃદ્ધ નેતા અડવાણી, મુરલી મનોહર જોશી વગેરે વિડિયો કોન્ફરન્સથી સામેલ થયા હતા. ન્યાયાધિશે કહ્યું હતું કે મિડિયામાં પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ પરથી કોઇને આરોપી ઠરાવી શકાય નહીં.
આ કેસમાં આરોપ પુરવાર થયો હોત તો ત્રણથી પાંચ વર્ષની જેલની સજા થઇ હોત. આ કેસના અન્ય આરોપી સાક્ષી મહારાજ વગેરેને પણ કોર્ટે મુક્ત કર્યા હતા. આ કેસની ચાર્જશીટ 2500 પાનાંની હતી તો ચુકાદો 2300 પાનામાં વિસ્તરેલો હતો.
કોર્ટે કહ્યુ હતુ કે જેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા તે લોકોએ તો બાબરી મસ્જિદ તોડી રહેલા ટોળાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાના ફોટોગ્રાફ કે વીડિયો ઉપરથી એવુ પુરવાર થતુ નથી કે એ લોકોએ બાબરી મસ્જિદ તોડવા માટે ટોળાને ઉશ્કેર્યુ હતું.
CBI આ લોકો સામે બાબરી મસ્જિદ તોડવાનું કાવતરૂં કર્યું હોય અથવા મસ્જિદ તોડવામાં નિમિત્ત બન્યા હોય એવા કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.
ફોટો કે વીડિયો પરથી કોઈને આરોપી પુરવાર કરી શકાય નહીં કે ગણી શકાય નહીં. ચુકાદો આવી ગયા પછી કેટલાક સાધુઓએ હાજર રહેલા લોકોને મીઠાઈ વહેંચી હતી.
છેલ્લાં 28 વર્ષથી બાબરીકાંડનો મુદ્દો સળગતો હતો. આ કેસમાં ભાજપના ઘણા મોટા નેતાઓ સંડોવાયા હતા જેમા ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર મુરલી મનોહર જોશી, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સાધ્વી ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંઘ, વિશ્વ હિન્દુ પરિષદના નેતા અને ફાયર બ્રાન્ડ આગેવાન વિનય કટિયાર, અશોક સિઁઘલ, મહંદ નૃત્ય ગોપાલદાસ, રામ જન્મભૂમિ ન્યાસના સંત રામ વિલાસ વેદાંતી વગેરેન એમાં સમાવેશ થયો હતો.
બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કુલ 49 આરોપીઓ હતા પણ 17 આરોપીઓના નિધન થઈ ગયા છે. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદ તોડ્યા બાદ ફૈઝાબાદમાં બે FIR દાખલ કરવામાં આવી હતી. FIR નંબર 198 લાખો કારસેવકોની સામે હતી જ્યારે FIR નંબર 198 સંઘ પરિવારના કાર્યકર્તાઓ સહિત આડવાણી, જોશી, તત્કાલીન શિવસેના નેતા બાલ ઠાકરે, ઉમા ભારતી વગેરેની સામે હતી.
આરોપીઓ સામે જે મુખ્ય આરોપો હતા તેમાં ગંભીર ગુનાહિત કાવતરું ઘડવું, ધર્મના આધારે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મની પેદા કરવી, રાષ્ટ્રીય એકતાને હાનિ પહોંચાડવી, ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડવું, ધાર્મિક લાગણીઓ ઉશ્કેરતાં નિવેદનો, કૃત્યો, ગેરકાયદેસર રીતે એકઠાં થવું, જાહેર શાંતિનો ભંગ કરવો, રાયોટિંગ વગેરેનો સમાવેશ થાય છે.