વોલમાર્ટે £6.5 બિલીયનનું મૂલ્ય ધરાવતા પોતાની બ્રિટિશ સુપરમાર્કેટ ચેઇન આસ્ડાની ખરીદી માટે પસંદગીના બિડરો તરીકે યુકે પેટ્રોલ સ્ટેશન ઓપરેટર ઇજી ગ્રુપના બિલીયોનેર ગુજરાતી ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસા અને ખાનગી ઇક્વિટી કંપની ટીડીઆર કેપિટલના સ્થાપકોને પસંદ કર્યા છે એમ સોમવારે તા. 28ના રોજ સ્કાય ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
સેઇન્સબરીને £7.3 બિલીયનમાં આસ્ડાના વેચાણનો પ્રયાસ ગયા વર્ષે બ્રિટનના કોમ્પીટીશન રેગ્યુલેટરે નિષ્ફળ બનાવ્યો હતો. મૂળ ભરૂચ જીલ્લાના મનુબર ગામના વતની અને હાલ બ્લેકબર્ન ખાતે રહેતા બિલીયોનેર ભાઇઓ મોહસીન અને ઝુબેર ઇસાએ લગભગ બે દાયકા પહેલા ઇજી ગ્રુપની સ્થાપના કરી હતી અને ટીડીઆર આસ્ડાને બ્રિટિશ માલિકી હેઠળ પાછી લાવવા પ્રયત્નશીલ છે. જો કે, ઔપચારિક કરાર દિવસો અથવા અઠવાડિયામાં થઇ શકે છે એમ સ્કાય ન્યૂઝે રિપોર્ટમાં જણાવ્યું હતું.
ટીડીઆર અને આસ્ડાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. વોલમાર્ટે ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. આ મહિનાની શરૂઆતમાં, આસ્ડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ ફોરકોર્ટ ઑપરેટર ઇજી ગ્રુપ સાથે ઝડપથી વિકસતા જતા કન્વીનીયન્સ સ્ટોર્સ માર્કેટમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.
ઇજી ગ્રુપ સૌથી મોટું સ્વતંત્ર પેટ્રોલ સ્ટેશન ઑપરેટર છે અને લગભગ 25,000 લોકોને રોજગારી આપે છે. તેમની વાર્ષિક આવક £15.8 બિલીયન કરતા વધુની છે. ટીડીઆરના ટેકાથી ગયા વર્ષે સાઇટની સંખ્યામાં ત્રણ ગણો વધારો કર્યો હતો અને 2019માં અત્યાર સુધીમાં 1,000 સ્થાનો ઉમેર્યા છે.
ઇસા ભાઈઓ £95 મિલીયનનુ દાન કરે છે અને તેમનું ઇસા ફાઉન્ડેશન સ્થાનિક હોસ્પિટલોને સમર્થન આપે છે અને બ્લેકબર્ન અને તેની આસપાસના શાળાના બાળકો માટે મફત નાસ્તો પૂરો પાડે છે. તેમણે ગુજરાતમાં પણ આરોગ્ય અને શિક્ષણ પાછળ ખૂબ જ મોટી રકમના દાન આપ્યા છે.
ઇશા ભાઇઓના પિતા વલીભાઇ મૂળ ગુજરાતી વસાહતી છે અને કાપડ ઉદ્યોગમાં કામ કરવા માટે બ્રિટન આવ્યા હતા. ઝુબેર અને મોહસીનનો જન્મ લેન્કશાયરમાં એક ટેરેસ હાઉસમાં થયો હતો. આ જોડીએ ગયા વર્ષે નાઈટ્સબ્રીજમાં £25 મિલિયનનુ મેન્શન ખરીદ્યુ હતુ અને સ્વિમિંગ પૂલ, જિમ, મ્યુઝિક રૂમ અને સિનેમા સાથેનુ બેઝમેન્ટ બનાવવાની યોજના હતી.