અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં જજ એમી કોની બેરેટને નોમિનેટ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ રૂથ બાબેર ગિન્સબર્ગના નિધન પગલે ખાલી પડેલી જગ્યા ભરવા માટે માટે ટ્રેમ્પે આ નિર્ણય કર્યો છે.48 વર્ષીય બેરેટ હાલમાં સેવન્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના જજ છે. ટ્રમ્પે 2017માં તેમને આ હોદ્દા માટે નોમિનેટ કર્યા હતા.
ટ્રમ્પે શનિવારે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં જાહેરાત કરી હતી કે આપણા દેશના સૌથી વધુ પ્રતિભાશાળી અને કાનૂના વિશારદને સુપ્રીમ કોર્ટમાં નોમિનેટ કરવાનું મને સન્માન મળ્યું છે. જજ એમી કોની બેરેટ અજોડ સિદ્ધી, બૌદ્ધિક ક્ષમતા અને વિશ્વસનીયતા ધરાવે છે અને બંધારણ માટે સંપૂર્ણપણે વફાદાર છે. બેરેટના નોમિનેશનને સેનેટની પુષ્ટી મળે તે જરૂરી છે. બેરેટ તેમના પતિ અને સાત બાળકો સાથે ઇન્ડિયાનામાં રહે છે. ત્રણ નવેમ્બરે પ્રેસિડન્ટની ચૂંટણીના 40 દિવસ પહેલા આ નોમિનેશનને વાજબી ઠેરવતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના બંધારણ હેઠળ તે તેમની સર્વોચ્ચ અને સૌથી વધુ મહત્ત્વની ફરજ છે.
જજ બેરેટની સાથે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટની નવ સભ્યોની ખંડપીઠમાંથી ત્રણ જજને નોમિનેટ કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે સેનેટ દ્રારા જજ બેરેટના નામને ઝડપથી મંજૂરી મળી જશે. મને ખાતરી છે કે તે બિનવિવાદાસ્પદ હશે.
ટૂંકા પ્રવચનમાં જજ બેરેટે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટનો આ મહત્ત્વનો નિર્ણય છે. જો સેનેટ મને કન્ફર્મેશન આપશે તો હું મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે આ ફરજ બજાવવાનું વચન આપું છું. મને અમેરિકાના બંધારણ માટે ગર્વ છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડેમોક્રેટે ઉમેદવાર જો બાયડને અમેરિકાના લોકો તેમના નવા પ્રેસિડન્ટ અને કોંગ્રેસની પસંદગી ન કરે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટની આ ખાલી જગ્યા ન ભરવા માટે સેનેટને અનુરોધ કર્યો છે. સેનેટમાં રિપબ્લિકશન્સની બહુમતી છે. સેનેટ મેજોરિટી લીડર મિચ મેકોને અગાઉ જણાવ્યું હતું કે તેઓ નોમિનેશન અને કન્ફર્મેશન પ્રોસેસમાં આગળ વધશે. વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાદાર અને ભારતીય મૂળના સેનેટર કમલા હેરિસે જજ બેરેટના નોમિનેશનનો વિરોધ કર્યો છે.