કંમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)એ ડિફેન્સ ઓફસેટ સોદામાં ફ્રાન્સની કંપનીએ ચાલાકી કરી હોવાનું તેના અહેવાલમાં જણાવાયું છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેન્ડર પોતાનો ૩૦ ટકા ઓફસેટ પૂરો કરશે, પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર સુનિશ્ર્ચિત થઈ શકી નથી.
ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી, પરંતુ હજી સુધી વેન્ડરે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી નક્કી કરી નથી. કેગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો મળી રહ્યાં નથી માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે, જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે. ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ ૩૬ રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા, પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યું નહોતુ.