બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમનાં અમેરિકન પત્ની મેઘને અમેરિકામાં આવનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં દેશવાસીઓને મતદાન કરવા જણાવ્યું છે. સામાન્ય રીતે બ્રિટનના રાજવી પરિવાર દ્વારા આવું નિવેદન આપવામાં આવતું નથી પરંતુ આ દંપતીએ હવે આ વાત કહીને રાજકીય વાતાવરણમાં પ્રવેશ કર્યો છે.
અમેરિકાના 2020 ટાઇમ 100 મેગેઝિનની વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીના વીડિયોમાં આ દંપતીએ જણાવ્યું હતું કે, જે લોકો મત આપવા માટે યોગ્યતા ધરાવે છે તેમણે મત આપવો જ જોઇએ. હેરી અને મેઘન અત્યારે કેલિફોર્નિયામાં રહે છે અને તેમણે માર્ચમાં રાજવી જીવનનો ત્યાગ કર્યો હતો.મેઘને જણાવ્યું હતું કે, દર ચાર વર્ષે આપણે આજ વાત કહીએ છીએ કે આ આપણા જીવનની સૌથી મહત્ત્વની ચૂંટણી છે.
મેઘને પ્રિન્સ હેરી સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2016ની ચૂંટણીમાં તેણે ટ્રમ્પની વિભાજનકારી પ્રચારની ટિકા કરી હતી. બ્રિટનના અલિખિત બંધારણ મુજબ રાજવી પરિવાર રાજકીય રીતે તટસ્થ રહે તેવી અપેક્ષા હોય છે અને તેઓ ચૂંટણીમાં મતદાન કરતા નથી. રાણીએ પણ તેમના 68ના કાર્યકાળમાં સાંપ્રત બાબતોના મુદ્દે ખૂબ જ ઓછી ટિપ્પણી કરી છે. આ વીડિયોમાં પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, આ ચૂંટણી, હું અમેરિકામાં મતદાન કરી શકીશ નહીં, પરંતુ તમારામાંથી ઘણાને કદાચ જાણ નહીં હોય કે, હું યુકેમાં મારા જીવન દરમિયાન ક્યારેય મત આપી શક્યો નથી. જેમ જેમ આપણે નવેમ્બરની નજીક જઈ રહ્યા છીએ, આપ દ્વેષપૂર્ણ વાતો, ખોટી માહિતી અને ઓનલાઇન નકારાત્મકતાને નકારવી જોઇએ.’ જ્યારે હેરી ટ્રમ્પના વિરોધી, ડેમોક્રેટ હરિફ જો બિડેનને સમર્થન આપતા ન હતા, ત્યારે તેમની ટિપ્પણીઓની ટીકા થઈ હતી કે તેઓ રાજકારણમાં દખલ દઇ રહ્યા છે.