પબ્સ, રેસ્ટોરેન્ટ્સ વગેરે રાત્રે 10 વાગ્યે બંધ કરવાના રહેશે
લગ્ન સમારંભમાં વધુમાં વધુ 15 લોકો ભેગા થઈ શકશે
દુકાનો, ટ્રેન, બસ વગેરેમાં માસ્ક પહેરવા ફરજિયાત
સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની મનાઈ; સ્કૂલ, કોલેજીસ ચાલુ રહેશે
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને મંગળવારે (22 સપ્ટેમ્બર) પાર્લામેન્ટમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે યુકે “જોખમી વળાંક” પર પહોંચી ગયું છે અને ઇંગ્લેન્ડ પર મૂકેલા નવા કોરોનાવાઈરસ નિયંત્રણો હજૂ વધુ છ મહિના સુધી ટકી શકે છે. તેમણે સાંસદોને જણાવ્યું હતું કે હોસ્પિટાલીટી બિઝનેસીસ રાત્રે 10 વાગ્યે બંધ થશે અને લગ્નમાં મહત્તમ 15 લોકો જ હાજરી આપી શકશે. રીટેઈલ કર્મચારીઓએ ફરજિયાત ફેસ માસ્ક પહેરવા પડશે અને નિયમો તોડવા બદલ દંડ વધશે. તેમણે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને બને તો ઘરે રહીને કામ કરવા જણાવ્યું છે.
કોબ્રા ઇમરજન્સી કમિટીની બેઠક પછી સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના નેતાઓ સાથેની બેઠક બાદ વડાપ્રધાને કહ્યું હતું કે યુકે ભરમાં સમાન પગલાં લેવાશે.
માસ્ક ન પહેરવા અથવા છથી વધુ જૂથોમાં એકઠા થવા બદલ નિયમ ભંગના પ્રથમ ગુનામાં £200નો દંડ કરાશે. ગુરૂવાર તા. 24થી બધા પબ્સ, બાર અને રેસ્ટોરાં ફક્ત ટેબલ સર્વિસ જ આપશે અને તેઓ ટેકઅવે ચાલુ રાખી શકે છે. હોસ્પિટાલિટી ક્ષેત્રના સ્થળો રાત્રે 10 વાગ્યે બંધ કરવાના રહેશે. તેનો અર્થ એ છે કે તે પછી છેલ્લા ઓર્ડર માટે કોઇ કોલ કરી શકશે નહિ.
તા. 1 ઓક્ટોબરથી રમતગમતના સ્થળોએ દર્શકો જઇ શકશે નહીં. દુકાનના કર્મચારીઓ, ટેક્સી ડ્રાઇવરો અને મુસાફરોએ પણ ફેસ માસ્ક પહેરવા આવશ્યક છે. ઇન્ડોર હોસ્પિટાલિટીના સ્થળોએ ગ્રાહકોએ ખાવા-પીવા માટે ટેબલ પર બેઠા નહિં હોય ત્યાં સુધી માસ્ક પહેરવા પડશે. છ વ્યક્તિઓના નિયમની છૂટમાં કપાત મૂકવામાં આવશે, એટલે કે ફાઇવ અ સાઇડ ફૂટબોલ જેવી ઇન્ડોર ટીમની રમત સમાપ્ત થશે.
બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે “અમે હંમેશાં જાણતા હતા કે વાઈરસના બીજા વેવની સંભાવના વાસ્તવિક હતી. માફ કરશો પણ સ્પેઇન, ફ્રાન્સ અને બીજા ઘણા દેશોની જેમ આપણે પણ જોખમી વળાંક પર પહોંચી ગયા છીએ.”
મંગળવારે તા. 22ની સવારે કોબ્રા ઇમરજન્સી કમિટીની બેઠક બાદ, વડા પ્રધાને હાઉસ ઑફ કૉમન્સને કહ્યું હતું કે ‘’અમે પોલીસ અને સ્થાનિક અધિકારીઓને કાયદાકીય અમલ માટે વધારાના ભંડોળ પૂરું પાડીશું અને લશ્કરની મદદ લેવાનો વિકલ્પ પણ રાખીશું. વાઈરસના રીપ્રોડક્શન રેટ (આર)માં મહત્તમ ઘટાડો મેળવવા માટે નવા નિયમોનો કાળજીપૂર્વક નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેમાં કોઈ પણ રીતે માર્ચ મહિનાના સંપૂર્ણ લોકડાઉનમાં પાછા ફરવાની કે ઘરે રહેવાની સામાન્ય સૂચનાઓ નથી. બિઝનેસીસ, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખુલ્લા રહેશે.’’
તેમણે કહ્યું હતું કે ‘’છેલ્લા પખવાડિયામાં, હોસ્પિટલમાં વાયરસને કારણે દાખલ થતા લોકોની સંખ્યા બમણી થઈ ગઇ છે અને કોવિડ-19 શિયાળામાં વધુ ઝડપથી ફેલાય તેવી સંભાવના છે. તેથી આ જ ક્ષણે આપણે કામ કરવું જોઈએ. આ નિયંત્રણો આર નંબર એકની નીચે લાવવામાં નિષ્ફળ જશે તો અમે નોંધપાત્ર રીતે મોટા નિયંત્રણો સાથે વધુ ફાયર પાવરનો ઉપયોગ કરીશું.”
વરિષ્ઠ તબીબોએ સોમવારે ચેતવણી આપ્યા બાદ આ પગલા લેવામાં આવ્યા છે. તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી બ્રિટનને અઠવાડિયાની અંદર ઝડપથી વધી રહેલા મૃત્યુદરનો સામનો કરવો પડશે.
બ્રિટનમાં નવા કોવિડ-19 કેસોમાં ઓછામાં ઓછા 6,૦૦૦નો વધારો થઈ રહ્યો છે, અઠવાડિયા જુના ડેટા મુજબ, હોસ્પિટલમાં પ્રવેશ દર આઠ દિવસે બમણો થઈ રહ્યો છે અને ટેસ્ટ સિસ્ટમ હજૂ બરોબર નથી. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લાખો લોકો પહેલેથી જ કેટલાક પ્રકારનાં પ્રતિબંધ હેઠળ છે.
સરકારના ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટી અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વોલેન્સે જણાવ્યું હતું કે, સરકાર પગલા લેવામાં તાત્કાલિક ધોરણે આગળ વધે નહીં તો બ્રિટનને ફરીથી કોવિડ-19થી ઝડપથી થતા વધતા મૃત્યુ દરનો સામનો કરવો પડશે. યુકે પહેલાથી જ યુરોપમાં સૌથી મોટો સત્તાવાર કોવિડ-19 મૃત્યુઆંક ધરાવે છે અને વિશ્વમાં મૃત્યુદરમાં તે પાંચમા ક્રમે છે.
વરિષ્ઠ મિનિસ્ટર ગોવે જણાવ્યું હતું કે ‘’મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને રીટેઈલ ક્ષેત્રમાં ઘણા રોલ એવા છે કે જે ઘરેથી કરી શકાતા નથી. આપણે સંતુલન સાધવાની જરૂર છે. લોકો સતત કામ કરવાનું ચાલુ રાખે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. બાળકો શાળાએ જાય તે જરૂરી છે. સામાજિક સંપર્ક મર્યાદિત કરવા જરૂરી છે.
સર કેર સ્ટાર્મરે બાળકોને કી વર્કરની જેમ જ ટેસ્ટ માટે અગ્રતા આપવાની હાકલ કરી, જો ટેસ્ટ એન્ડ ટ્રેસ સીસ્ટમ સુધારવામાં નહિં આવે તો શાળાઓ બંધ કરવી પડશે તેવી ચેતવણી આપી હતી. લેબર નેતાએ સરકાર દ્વારા લેવામાં આવતી કોઈપણ કાર્યવાહીમાં તેઓ સરકારને ટેકો આપશે તેમ જણાવ્યું હતું. વડા પ્રધાનને ટેસ્ટીંગ પર પકડ નહીં મળે, તો બાળકો શિક્ષણ વગરના થશે. ટેસ્ટીંગ કાર્યક્ષમ નથી.’’
જેમના મોડેલિંગના આધારે સરકારે માર્ચ માસમાં લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો, તેમણે કહ્યું હતું કે ઉનાળા દરમિયાન નિયંત્રણો હળવા થતાં યુકે હવે એક “સંપૂર્ણ તોફાન”નો સામનો કરી રહ્યું છે. જો આપણે તેને બીજા બે-ચાર અઠવાડિયા છોડી દઈશું તો આપણે માર્ચના મધ્યમાં હતા તેવા ભયાનક સ્તરે પાછા આવી જશું. તે સ્પષ્ટ રીતે મૃત્યુનું કારણ બનશે.’’
ઑક્સફર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર એવિડન્સ બેસ્ડ મેડિસિનના ડાયરેક્ટર પ્રોફેસર કાર્લ હેનેઘાને સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’દેશને હવે કઠોર પગલાં પોષાય તેમ નથી. હવે આપણે જે કરવાનું છે તે ધીમેથી કરવાનું છે અને શિયાળો ખૂબ લાંબો છે.”
હવે એવો ડર ઉભો થયો છે કે લંડનને સ્થાનિક લોકડાઉન હેઠળ મુકવામાં આવશે. તે નોર્થ ઇસ્ટ અને નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ કરતા કેટલાક દિવસો જ પાછળ છે. ત્યાં નવા નિયમો પહેલેથી જ લાદવામાં આવ્યા છે.
લંડનના મેયર સાદિક ખાન પણ નવા નિયંત્રણો માટે મિનિસ્ટર્સ પર દબાણ કરી રહ્યા છે. ખાનની નજીકના એક સ્ત્રોતે કહ્યું હતું કે ‘’લંડનમાં કેસ ફક્ત એક જ દિશામાં આગળ વધી રહ્યા છે. અમે વધુ વિલંબ કરી શકાય તેમ નથી. હવે નવા પગલાથી વાઈરસનો ફેલાવો ધીમો થશે અને પૂર્ણ લૉકડાઉનની જરૂર સંભવિત રૂપે અટકાવશે. પૂર્ણ લોકડાઉન અર્થતંત્ર માટે નુકસાનકારક છે.”