નેપાળે ભારતના કેટલાંક વિસ્તારને પોતાના દર્શાવતા સુધારેલા નકશાનો સમાવેશ કરતા નવા પાઠયપુસ્તકના વિતરણને અટકાવી દીધું છે. આ પુસ્તકમાં હકીકત દોષનું કારણ આપીને નેપાળે આ નિર્ણય કર્યો છે, એમ મંગળવારે નેપાળના મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું.
અગાઉ નેપાળની સંસદે દેશના નવા રાજકીય નકશાને મંજૂરી આપી હતી, જેમાં ભારતના લિપુલેખ, કાલાપાણી અને બિમ્પિયાધુરા વિસ્તારને પણ પોતાનો દર્શાવવામાં આવ્યો હતો. ભારતે નેપાળના આ નવા નકશાનો વિરોધ કરીને તેને કૃત્રિમ વિસ્તરણ ગણાવ્યું હતું. બુધવારે યોજાયેલી નેપાળ સરકારની કેબિનેટ બેઠકમાં આવા પાઠ્યપુસ્તકનો વિતરણ કે પ્રિન્ટિંગ ન કરવાનો શિક્ષણ મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો હતો.
અહી ઉલ્લેખનીય છે કે આ વર્ષના મેમાં ભારત અને નેપાળ વચ્ચે સીમા મુદ્દે વિવાદ ઊભો થયો હતો અને વાટાઘાટો દ્વારા એના નિરાકરણનો પ્રયાસ પણ શરૂ થયો હતો. નેપાળની સરકારે બાળકો માટેના એક પુસ્તકમાં કેટલાક ભારતીય પ્રદેશો પોતાના હોવાનું જણાવતા નકશા જારી કર્યા હતા. ભારતે તેનો વિરોધ કર્યો હતો. નેપાળના શિક્ષણ પ્રધાન ગિરિરાજ મણી પોખરલના કહેવાથી આ પુસ્તક જારી કરવામાં આવ્યું હતું.