અમેરિકન ઓથોરિટીએ ચીન માટે જાસૂસી કરવાના આરોપસર એક ન્યૂ યોર્કના એક પોલીસ અધિકારીની ધરપકડ કરી છે. ઓથોરિટીના જણાવ્યા મુજબ તે તિબેટિયન મૂળનો આ અધિકારી ન્યૂયોર્કમાં વસતા તિબેટિયન સમુદાય અંગે ચીનની સરકારને માહિતી આપતો હતો અને તે ચાઇનીઝ એમ્બેસીના સંપર્કમાં હતો. 33 વર્ષના આ અધિકારીએ 2018થી 2020 દરમિયાન તિબેટિયન સમૂદાયમાં સંપર્ક વધારીને તેમની મહત્ત્વની માહિતી મેળવી હતી. તેની પાસે સમુદાયની ગતિવિધિ સિવાય ઘણી મહત્ત્વની માહિતી પણ હતી.
તેના પર મુકાયેલા આરોપોમાં જણાવાયું છે કે, આ અધિકારીએ ન્યૂયોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સમારંભોમાં ચાઇનીઝ એમ્બેસીના સ્ટાફને હાજરી આપવાની મંજૂરી પણ આપી હતી. કહેવાય છે કે, ચાઇનીઝ ઓથોરિટી તરફથી તેને ગુપ્ત માહિતી આપવા બદલ હજ્જારો ડોલર આપવામાં આવ્યા છે. તેના પર ચાર આરોપ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકામાં વિદેશી દેશની સેવા લેવી અને જાહેર સેવાઓમાં અવરોધ ઊભો કરવો અને ગેરસમજ ઉત્પન્ન કરવાનો પણ સમાવેશ થાય છે. બ્રૂકલિન ફેડરલ જજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેને સોમવારે જજ સમક્ષ રજૂ કરીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ અધિકારીને અત્યારે વગર વેતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, તેનો જન્મ ચીનમાં થયો હતો અને તેને અમેરિકામાં રાજકીય આશ્રય આપવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, તિબેટિયન મૂળનો હોવાના કારણે તેને ચાઇનીઝ ઓથોરિટી દ્વારા પરેશાન કરવામાં આવ્યો હતો. તેના માતા-પિતા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો હતો.