ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તપાસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. નશીલા પદાર્થના મુદ્દે હવે ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણનું પણ નામ આવ્યું છે. દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલી ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો હવે કરિશ્માની પૂછપરછ કરશે. ગઈકાલે, 21 સપ્ટેમ્બરના રોજ કરિશ્માને સમન પાઠવવામાં આવ્યું હતું.
રિયા ચક્રવર્તીની મેનેજર જયા સાહાની સાથે કરિશ્માની નશીલા પદાર્થ સંબંધિત ચેટ મળી હતી. સોમવારે જયાની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આજે (22 સપ્ટેમ્બર) ફરી એકવાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુપની પણ પૂછપરછ કરવામાં આવશે.કરિશ્માની પૂછપરછ બાદ આ અઠવાડિયા અંત સુધી દીપિકાની પૂછપરછ થાય તેવી શક્યતા છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ અથવા તેની લીગલ ટીમ તરફથી આ કેસમાં સ્પષ્ટતા આપી શકે છે.
નશીલા પદાર્થના મુદ્દે સોમવારે દીપિકા પાદુકોણનું નામ આવ્યું હતું. બે અગ્રણી ટીવી ચેનલએ આ બાબતમાં ત્રણ વર્ષ જૂની ચેટને ટાંકી દીપિકા પાદુકોણનું ડ્રગ્સ કનેક્શન હોવાનો દાવો કર્યો છે. NCBએ આ સંદર્ભમાં દીપિકાનાં મેનેજર કરિશ્મા પ્રકાશની પણ પૂછપરછ કરવા માટે સમન પાઠવ્યું છે, કારણ કે દીપિકાએ કરિશ્મા મારફત જ હશીશ ડ્રગ્સ મગાવ્યુ હોવાનું માનવામાં આઆવે છે.NCBને અત્યાર સુધી રિયાની પૂછપરછ દરમિયાન મહત્ત્વની જાણકારી મળી હતી. સૂત્રોના મતે, ડ્રગ્સ્ કેસમાં રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, ડિઝાઈનર સિમોન ભંબાટા સહિત સેલેબ્સના નામ લીધા હતા.
એક્ટર સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી મંગળવારે પૂરી થાય છે. ભાયખલા જેલમાંથી આજે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી કોર્ટમાં રજૂ કરશે. હવે રિયાને જામીન મળશે અથવા જ્યુડિશિયલ કસ્ટડી વધશે, કોર્ટ આ અંગે નિર્ણય લેશે. સૂત્રોના મતે, NCB કોર્ટમાં જામીનનો વિરોધ કરશે. રિયાના વકીલ સતીશ માનશિંદે ફરી એકવાર જામીન માટે પ્રયાસ કરી શકે છે. રિયાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. રિયાની સાથે શોવિકની જામીન અરજી પણ આજે નિર્ણય લેવામાં આવશે.ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBએ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. રિયા-શોવિક ઉપરાંત ડ્રગ પેડલર, નાર્કો-ડીલર સામેલ છે.