ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સે જણાવ્યું છે કે કોરોનાવાયરસના કારણે 2 થી 11 વર્ષના બાળકો અને 17 થી 34 વર્ષના યુવાનોમાં કોવિડ-19ના કોરોનાવાયરસના પોઝીટીવ કેસ વધવાના સ્પષ્ટ પુરાવા છે અને બાળકોમાં કોરોનાવાયરસના ચેપમાં વધારો થઈ રહ્યો છે. બ્રિટનમાં તાજેતરના આર રેટને જોતા સેજે પુષ્ટિ આપી હતી કે આ ચેપ દરરોજ 2 થી 7 ટકાના દરે વધી રહ્યો છે. જુદા જુદા આંકડા વૃદ્ધો માટે પણ ચિંતા ઉભી કરે છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ)એ જણાવ્યું છે કે ગયા અઠવાડિયે 85થી વધુ વયના લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેવા લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. બીજી તરફ કેર હોમ્સ, શાળાઓ અને કામના સ્થળોએ પણ કોવિડ-19 ફાટી નીકળ્યો છે.
સાઇન્ટીફિક એડવાઇઝરી ગૃપ ઓન ઇમરજન્સી (SAGE)એ જણાવ્યું છે કે વાયરસનો રીપ્રોડક્શન (R) રેટ 1.1 અને 1.4ની વચ્ચે છે, જે ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાવે છે તેનું માપ છે. તેઓ માને છે કે બ્રિટનના કેટલાક ભાગોમાં દર સાત દિવસમાં કેસ બમણો થઈ શકે છે અને દેશના કેટલાક વિસ્તારોમાં સંભવત તેથી વધુ ઝડપી પણ હોઈ શકે છે.
ઓએનએસના સર્વે મુજબ ઇંગ્લેન્ડના 59,800 લોકોને 10 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. જે તેના એક સપ્તાહ અગાઉ 39,700 હતો. એટલે કે કેસમાં 51 ટકા વધારો થયો હતો. દરરોજ 6,000 કેસોનો વધારો થવાનો અંદાજ છે. વાયરસ માટે પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર 2 થી 11 વર્ષની વયના બાળકોની સંખ્યા જુલાઈ 23ના રોજ અંદાજે 0.04 ટકા હતી જે 10 સપ્ટેમ્બર સુધીમાં 0.28 ટકા થઇ ગઇ હતી, જે સાત ગણી વધી છે. 17 થી 24 વર્ષની વયના લોકોમાં તેર ગણો અને 25થી 34 વર્ષના વયના લોકોમાં બાર ગણો વધારો થયો છે. 35 થી 69 વર્ષની વયના લોકોમાં પ્રમાણમાં નાનો અને 70થી વધુ વયના લોકોમાં કેસોમાં વધારો થયો નથી.
ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડમાં ખાસ કરીને લંડન અને નાર્થવેસ્ટ ઇંગ્લેન્ડમાં કોવિડ-19 ચેપની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. 85 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ અઠવાડિયામાં લગભગ બમણુ અને ICUમાં પ્રવેશની સંખ્યામાં વધારો થયો છે.
પીએચઇ મેડિકલ ડિરેક્ટર, યોવ્ન ડોયલે કહ્યું હતું કે “વાયરસ હવે તમામ વય જૂથોમાં વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે અને હું ખાસ કરીને હોસ્પિટલમાં પ્રવેશના દરમાં વૃદ્ધિ અને વૃદ્ધ લોકોને ICUમાં દાખલ કરાય છે તેનાથી ચિંતિત છું. આપણે બધાએ વાયરસને અંકુશમાં લેવામાં ભાગ લેવો જ જોઇએ અને વાયરસના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવવો જોઇએ.”
શાળાઓમાં ક્લસ્ટરોની સંખ્યા 23થી વધીને 193 થઈ ગઈ છે જેમાંથી અડધામાં કોવિડ-19 હોવાનું પુષ્ટિ મળી છે, કેર હોમમાં આ સંખ્યા 69થી 313 પર પહોંચી ગઈ છે. 110 કામના સ્થળોમાં રોગ ફેલાયો છે. જેમાં 92માં કોવિડ-19ની પુષ્ટિ થઇ છે.