બે દિવસની ખાનગી વાટાઘાટો પછી, વડા પ્રધાન બોરિસ જ્હોન્સન યુરોપિયન યુનિયનના વિથડ્રોઅલ એગ્રીમેન્ટનો ભંગ કરવા માટે હાઉસ ઓફ કોમન્સમાં વોટીંગ કરાવવા માટે સંમત થયા હતા. ટોરી બળવાખોરોએ યુકેના ઇન્ટર્નલ માર્કેટ બિલ બાબતે બોરિસ જ્હોન્સનને શરમજનક પીછેહઠ માટે દબાણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદો તોડે તેવા બિલ અંગે પોતાના જ પક્ષના સંભવિત બળવાને જોતા વડા પ્રધાને સોદો કર્યો છે.
આ સોદો સ્કોટલેન્ડ માટે યુકે સરકારના લો ઓફિસર લોર્ડ કીનના રાજીનામાના કલાકો પછી થયો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ બિલમાં સૂચિત કાયદાના ભંગને લઈને ઝઝૂમ્યા છે અને તે નિષ્કર્ષ પર આવ્યા છે કે તેઓ તેનો બચાવ કરી શક્યા નથી. તેમની વિદાયથી જસ્ટીસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડ અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન પર તેમની સ્થિતિ અંગે વિચારણા કરવા બાબતે વધુ દબાણ આવશે. અગાઉ બ્રેવરમેનનું પદ સંભાળી ચૂકેલા ડોમિનિક ગ્રિવે બુધવારે તેમને પદ છોડવા માટે બોલાવ્યા હતા. સરકારના ટોચના સિવિલ સર્વન્ટ જોનાથન જોન્સે એક સપ્તાહ અગાઉ ઇન્ટર્નલ માર્કેટ બિલ બાબતે પોતાનો હોદ્દો છોડી દીધો હતો.