ગંગાજળના કારણે કોરોનાની અસરમાં નોંધપાત્ર ઘટાડો થતો હોવાનઓ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની એક ટીમે ગંગા કિનારે રહેનારા પર કોરોનાની અસરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. ટીમે જે રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ગંગાજળના નિયમિત ઉપયોગ કરનારા પર કોરોનાની અસર 10 ટકા જ જોવા મળી છે. રિસર્ચ પેપરને અમેરિકાની ઈન્ટરનેશનલ જર્નલ ઓફ માઈક્રોબાયોલોજીના અંકમાં પ્રકાશિત કર્યો છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના ન્યૂરોલોજી વિભાગના વિભાગાધ્યક્ષ ડૉ. રામેશ્વર ચૌરસિયા, ન્યૂરોલોજિસ્ટ પ્રો. વીએન મિશ્રાની આગેવાનીમાં ટીમે પ્રાથમિક સર્વેમાં જોયુ હતું કે નિયમિત ગંગા સ્નાન અને ગંગાજળનું કોઈને કોઈ રીતે સેવન કરનારા 90 ટકા લોકો પર કોરોનાના સંક્રમણની અસર નથી.
ટીમે પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે સ્નાન કરનારા 90 ટકા લોકો કોરોનાના સંક્રમણથી બચેલા છે. એ જ રીતે ગંગા કિનારે 42 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બાકીના શહેરોની સરખામણીએ 50 ટકાથી ઓછુ છે અને સંક્રમણ બાદ તે જલ્દીથી સાજા થઈ જાય છે. ગંગાજળ પર રિસર્ચ કરનારી ટીમે ગૌમુખથી લઈને ગંગા સાગર સુધીના 100 સ્થળો પર સેમ્પલ લીધા હતા.