પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન નવાઝ શરીફ એક વર્ષ બાદ સક્રિય રાજકારણમાં પુનરાગમન કરવા માટે સજ્જ બન્યા છે. ઇમરાન ખાનના વડપણ હેઠળની સરકાર સામેના વિરોધ પ્રદર્શન માટેની વિરોધપક્ષોની બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપવા નવાઝ શરીફને પીપીપીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આમંત્રણ આપ્યા બાદ તેઓ આ વિચારણા કરી રહ્યા છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન)ના 70 વર્ષીય વડા શરીફ ગયા વર્ષના નવેમ્બરથી લંડનમાં રહે છે. શરીફને 2017માં પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અને ડિસેમ્બર 2018માં અલ-અઝિઝિયા સ્ટીલ મિલ કેસમાં તેમને સાત વર્ષની જેલસજા થઈ હતી. જોકે આ પછી શરીફના જામીન મળ્યા હતા. દાક્તરી સારવાર માટે તેઓ લંડન ગયા હતા, પરંતુ આરોગ્યની સમસ્યાને કારણે પાકિસ્તાનમાં પરત આવ્યા ન હતા.
શુક્રવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન ઝરદારીએ શરીફ સાથે ફોન પર વાતચીત કરી હતી અને રવિવારે યોજનારી વિરોધ પક્ષોની ઓલ પાર્ટી કોન્ફરન્સમાં વચ્યુઅલી હાજરી રહેવાનું આમંત્રણ આપ્યું હતું.
નવાઝ શરીફના રાજકીય વારસદાર અને પુત્રી મરિયમે ટ્વીટ કરીને પીપીપી નેતાનો આભાર માન્યો હતો. જોકે પીએમએલ-એને આ બેઠકમાં હાજરી આપવાની બાબતને સત્તાવાર પુષ્ટી આપી ન હતી. પાકિસ્તાનના વર્તમાનપત્ર ડોને દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન આ કોન્ફરન્સમાં હાજરી આપશે.